Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાની આતંકીઓ મને શોધવા ઘરે આવ્યા હતા મારા ઘરના રક્ષકને માર્યો હતો : કાબુલની પશ્ચિમે આવેલા મેદાન શહેરના સૌપ્રથમ મહિલા મેયર ઝરીફા ગફારીનો ચોંકાવનારો અહેવાલ : મારા જેવી સ્ત્રીઓ હાલમાં ત્યાં નથી પરંતુ એક વાઘ જેમ બે પગલાં પાછા ભરી પુરી તાકાત સાથે પાછો આવે છે તેમ અમે પાછા આવશું

અફઘાનિસ્તાન : કાબુલની પશ્ચિમે આવેલા મેદાન શહેરના સૌપ્રથમ મહિલા મેયર ઝરીફા ગફારીએ ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. તેમણે  સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે તાલિબાની આતંકીઓ મને શોધવા ઘરે આવ્યા હતા અને મારા ઘરના રક્ષકને માર્યો હતો.

ઝરીફાના અહેવાલ મુજબ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની નજર અફઘાનિસ્તાન પર છે. દેશમાં અરાજકતાનું વાતાવરણ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. અનેક તસવીરો તેમની પીડાની વાતો કહી રહી છે. તાલિબાન એક તરફ શાંતિની વાતો કરે છે અને બીજી બાજુથી વણથંભી હિંસાના અહેવાલો છે.

દરમિયાન, ઝરીફા ગફારી, જે કાબુલની પશ્ચિમે આવેલા મેદાન શહેરના મેયર હતા, તેમણે તાલિબાનની ક્રૂરતા વિશે જણાવ્યું છે. ઝરીફાએ કહ્યું કે  તાલિબાનો પાસે એવા લોકોની યાદી છે જેમણે અગાઉ ઉદાર અભિગમ અપનાવ્યો હતો.

ઝરીફા ગફારીએ કહ્યું, અફઘાનિસ્તાન અમારું હતું અને અમારું રહેશે. મારા જેવી સ્ત્રીઓ હાલમાં ત્યાં નથી તેનું કારણ એ છે કે એક વાઘ જેમ બે પગલાં પાછા ભરી પુરી તાકાત સાથે પાછો આવે છે. તેમ અમે પાછા આવશું. આપણે દુનિયાને અફઘાનિસ્તાનમાં તાલિબાનનો અસલી ચહેરો બતાવવો પડશે.

તેમણે કહ્યું કે, મારો ઉદ્દેશ વિવિધ દેશોના ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ અને મહિલાઓને મળવાનો છે જેથી તેઓ અફઘાનિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ થાય અને અમને આંદોલન શરૂ કરવા માટે સાથ આપે.

એક તરફ, જ્યારે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે, ત્યારે તાલિબાને અમેરિકાને કુશળ અફઘાનીઓને દેશની બહાર મોકલવાનું બંધ કરવાનું કહ્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અમેરિકાએ અફઘાન ધનિકો તથા કુશળ લોકોને દેશ છોડવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ. તે એમ પણ કહે છે કે તાલિબાન પંજશીર સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. તેવી તુલુ ન્યૂઝે માહિતી આપી હોવાનું એબીપી ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(10:50 am IST)