Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જેઇઇ મેઇન્‍સનું પરિણામ જાહેર : ગુજરાતના બે સહિત ૫૬ છાત્રોએ મેળવ્‍યા ૧૦૦ પર્સેન્‍ટાઇલ

૧૩ ભાષામાં ૧૦ લાખ ૬૮ હજાર છાત્રોએ પરીક્ષા આપી હતી : આ વર્ષે કટ ઓફ ગુણમાં વધારો

નવી દિલ્‍હી તા. ૨૪ : નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સીએ જેઇઇ મેઇન્‍સ ૨૦૨૪નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતના બે સહિત ૧૦૦ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ૧૦૦ પર્સન્‍ટાઇલ આવ્‍યા છે.

નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સીએ જેઇઇ મેઈન્‍સ ૨૦૨૪ સેશન-ટુ નું પરિણામ જાહેર કર્યું. એન્‍જિનિયરિંગ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્‍ટ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ મેઈન્‍સ સેશન-૨ માટે ઉમેદવારો હાજર થયેલા. વેબસાઇટ પર તેમનું સ્‍કોરકાર્ડ જાહેર થયું છે.

આ વખતે અત્‍યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ ૫૬ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્‍ટાઈલ હાંસલ કર્યા છે. ગત વખતે ૪૩ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા હતા.

જેઇઇ મેઇન્‍સ ૨૦૨૪ સેશન-૨ નું પરિણામમાં ગુજરાતમાંથી ૨ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સન્‍ટાઈલ મેળવ્‍યા છે.  રાજય પ્રમાણે, ૧૦૦ પર્સેન્‍ટાઈલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના ૧૫, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ૭-૭, દિલ્‍હીમાંથી ૬, રાજસ્‍થાનમાંથી ૫, કર્ણાટકના ૩, તમિલનાડુ, ગુજરાત અને હરિયાણામાંથી ૨, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ૧-૧ વિદ્યાર્થી છે.

આ વખતે, JEE મેઈન્‍સના એપ્રિલ સત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્‍ટાઈલ ૨૦૨૩ની સરખામણીમાં ૨.૪૫ પોઈન્‍ટ્‍સ વધારે હતું, જોકે સામાન્‍ય કેટેગરી માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની સંખ્‍યા ગત વખત કરતાં ૧૨૬૧ ઓછી છે. આ વખતે JEE  એડવાન્‍સ માટે ક્‍વોલિફાઈંગ પર્સન્‍ટાઈલ પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

૫૬ ટોપર્સમાં જનરલ કેટેગરીના ૪૦, OBCમાંથી૧૦ અને જનરલ-EWSમાંથી છનો સમાવેશ થાય છે. ઓબીસી વિદ્યાર્થીઓ જેમણે ૧૦૦ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા છે. તેમાંથી ૨-૨ તેલંગાણાના, એક-એક મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના છે.

JEE ૧૩ ભાષાઓમાં યોજવામાં આવી હતી. આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્‍દી, કન્નડ, મલયાલમ, મરાઠી સહિત ૧૩ ભાષામાં પરીક્ષા લેવાઇ હતી.

 આ વખતે ૧૦,૬૭,૯૫૯ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્‍સ એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી, જે ગત વખત કરતા ૪૫,૩૬૬ વિદ્યાર્થીઓ ઓછા હતા. JEE મેઈન્‍સ દ્વારા, તમામ કેટેગરીના ૨,૫૦,૨૪૮ વિદ્યાર્થીઓ JEE એડવાન્‍સ માટે ક્‍વોલિફાય થયા છે. ગયા વર્ષે લગભગ ૨.૫ લાખ પસંદગીના વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧,૮૯,૪૮૭ વિદ્યાર્થીઓએ એડવાન્‍સ આપી હતી.

(11:40 am IST)