Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

હૃદયની બીમારીઓને કારણે થતા મોટા ભાગના મરણોને સોડિયમના વધુ પડતા વપરાશ સાથે સાંકળવામાં આવ્યા છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

આ દાયકાના અંત પહેલાં નિમકના અતિશય ઉપયોગને કારણે થતા રોગોથી 70 લાખ જેટલા લોકો મૃત્યુ પામી શકે છેઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે સોડિયમના વધુ પડતા વપરાશને પરિણામે થતા બિન-ચેપી રોગોનો બોજો ઘટાડવા માટે લોકોએ મીઠા (નિમક)નો વપરાશ પ્રતિ દિવસ પાંચ ગ્રામ કે આશરે એક ચમચી જેટલો સીમિત રાખવો જોઈએ. સોડિયમ વપરાશ ઘટાડવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ પહેલી જ વાર જાગતિક અહેવાલ બહાર પાડ્યો છે. તેણે જણાવ્યું છે કે હૃદયની બીમારીઓને કારણે થતા મોટા ભાગના મરણોને સોડિયમના વધુ પડતા વપરાશ સાથે સાંકળવામાં આવ્યા છે.

WHO સંસ્થાએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે આ દાયકાના અંત પહેલાં નિમકના અતિશય ઉપયોગને કારણે થતા રોગોથી 70 લાખ જેટલા લોકો મૃત્યુ પામી શકે છે.

મીઠાનો સૌથી વધારે ઉપયોગ ચીનમાં થાય છે. એક ચીની વ્યક્તિ પ્રતિ દિવસ 10.9 ગ્રામ મીઠું ખાય છે. પ્રતિ દિવસ 10 ગ્રામ મીઠાનો વપરાશ કરતા દેશોની યાદીમાં ભારતનો નંબર 6ઠ્ઠો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે દરેક પુખ્ત વયની વ્યક્તિએ દરરોજ બે ગ્રામથી વધારે મીઠું ખાવું ન જોઈએ. સોડિયમનું મુખ્ય સ્રોત મીઠું છે. આપણે જે મીઠું ખાઈએ છીએ તે સોડિયમ ક્લોરાઈડ છે. એમાં 40 ટકા સોડિયમ હોય છે અને 60 ટકા ક્લોરાઈડ. જો આપણે દરરોજ પાંચ ગ્રામ મીઠું ખાઈએ તો એમાં સોડિયમનું પ્રમાણે અંદાજે 2 ગ્રામ હોય. આટલું મીઠું દરેક વ્યક્તિ માટે પર્યાપ્ત છે. પરંતુ લગભગ દરેક વ્યક્તિ દરરોજ 12 ગ્રામ જેટલું મીઠું ખાય છે. વધુ પડતું મીઠું ખાવાથી 30 લાખ જેટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૃત્યુ પામે છે. મીઠાના ઉપયોગમાં જો સહેજ પણ ઘટાડો કરવામાં આવે તો દર વર્ષે લાખો લોકોને મૃત્યુમાંથી બચાવી શકાય.

 

(1:44 pm IST)