Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ઉતરાખંડના કેદારનાથધામની યાત્રાએ જતા ભાવિકો માટે હવે હેલીકોપ્‍ટરની સુવિધા મળશે

એપ્રિલ મહિનાના પ્રથમ સપ્‍તાહમાં બુકિંગ પોર્ટલ ખુલશે

નવી દિલ્‍હીઃ ઉત્તરાખંડમાં કેદારનાથ જતા ભાવિકોને હવે હેલિકોપ્‍ટરની સુવિધા મળશે.

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC   દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે. અત્યાર સુધી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ પવન હંસ દ્વારા થતું હતું.

હેલિપેડ પર એરપોર્ટ જેવી સિસ્ટમ હશે. હેલિપેડ પર પ્રવેશતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને પછી બોર્ડિંગ પાસ આપવામાં આવશે. ટિકિટ બુકિંગ માટે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અને IRCTC વચ્ચે એક એમઓયુ પર સાયન કરવામાં આવ્યા છે. બુધવારે સચિવાલય ખાતે ઉકાડાના સીઇઓ સી. રવિશંકર અને આઇઆરસીટીસીના ડાયરેક્ટર જનરલ સુનીલ કુમારે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

IRCTC એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટિકિટ બુકિંગ માટે પોર્ટલ ખોલશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. આ બુકિંગ 1લી એપ્રિલથી શરૂ થશે.

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથ અને કેદારનાથની પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવશે. આ માટે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીકેટીસીનું ડિજીટાઈઝેશન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. BKTCના પ્રમુખ અજેન્દ્ર અજય કહે છે કે ITનો ઉપયોગ વિસ્તારવામાં આવી રહ્યો છે. જેથી ભક્તોના દર્શન અને દાન આપવાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય.

 

(1:08 pm IST)