Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

સાંસદ તરીકે રદ કરાતા રાહુલ ગાંધીએ ટિવટર ઉપર પોતાનો બાયો બદલ્‍યો ‌ડિસ કવોલિફાઇડ સાંસદ લખ્‍યુ

સુરતની અદાલતે ર વર્ષની સજા ફટકાર્યા બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

નવી દિલ્‍હીઃ સાંસદ તરીકે સભ્‍યપદ ગુમાવતા રાહુલ ગાંધીએ ટિવટર ઉપર ડિસ કવોલિફાઇડ સાંસદ એવું લખ્‍યું છે.

રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.

કેરળની વાયનાડ સીટના લોકસભા સભ્ય રાહુલ ગાંધીને સુરતની અદાલતે 2019ના માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી તેના પગલે, લોકસભા શુક્રવારે સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોંધનીય છે કે સુરતની એક અદાલતે ‘મોદી સરનેમ’ અંગેની ટિપ્પણી અંગે આ નિર્ણય આપ્યો હતો. જે બાદ થી કોંગ્રેસ દેશભરમાં રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ નોંધાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટનો બાયો બદલીને ‘ડિસ્કવોલિફાઈડ સાંસદ’ લખી દીધું છે. કોંગ્રેસ રાહુલ ગાંધીના સમર્થનમાં આજે રાજઘાટ પર એક દિવસીય સત્યાગ્રહ કરી રહી છે. આ સત્યાગ્રહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જગદીશ ટાઈટલર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ છે.

રાહુલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાય

રાજઘાટ પર કોંગ્રેસના એક દિવસીય ‘સંકલ્પ સત્યાગ્રહ’ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષા જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે.રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજઘાટ પર ધરણા પર બેઠા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને જગદીશ ટાઈટલર સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સત્યાગ્રહમાં સામેલ છે. જો કે દિલ્હી પોલીસે રાજઘાટ પર સત્યાગ્રહની પરવાનગી આપી નથી. કોંગ્રેસના કાર્યકરો દિલ્હી સહિત દેશભરમાં રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરી રહ્યા છે.

સત્યાગ્રહ પહેલા મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ ચીફ ખડગેએ કહ્યું કે ભાજપ રાહુલને બોલવા દેવા માંગતી નથી. રાહુલ ઉભા છે અને દેશ અને લોકોના અધિકારો માટે લડી રહ્યા છે. કોંગ્રેસ અટકશે નહીં. અમે ગાંધી સ્મારક જઈશું અને સત્યાગ્રહ કરીશું.

(12:28 pm IST)