Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્‍યપદ ગુમાવ્‍યા પછી આજે પ્રેસકોન્‍ફરન્‍સ સંબોધીઃ સ્‍પીકર ઉપર ગંભીર આરોપ લગાવ્‍યાઃ તેમણે બે વખત પત્ર લખવાની વાત જણાવી

- પીએમ મારાથી ડરી ગયા, તેથી સભ્યપદ ગયું

લોકસભાનું સભ્યપદ છીનવી લેવાયા બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi)એ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે સ્પીકર ઓમ બિરલા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

તેમણે કહ્યું કે 'મેં સ્પીકરને બે વાર પત્ર લખ્યા છે. તેમને પણ મળ્યો પણ તેમણે કહ્યું કે તે કંઈ કરી શકે તેમ નથી. મને ડરાવીને, ધમકાવીને અને ગેરલાયક ઠેરવીને મને ચૂપ ન કરી શકાશે નહીં. હું મારી તપસ્યા ચાલુ રાખીશ.'

સાંસદ તરીકેની સદસ્યતા છીનવી લેવાયા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 'આ બધું ગૌતમ અદાણી એપિસોડ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે, પરંતુ હું પૂછતો રહીશ કે ગૌતમ અદાણી અને મોદીજી વચ્ચે શું સંબંધ છે.'

રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે 'મેં સ્પીકરને બે વાર પત્ર લખ્યા, તેમ છતાં મને બોલવા દેવામાં આવ્યો ન હતો. હું તેમને મળ્યો અને મેં તેમને પૂછ્યું કે મને કેમ બોલવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમણે મારી સામે સ્મિત કર્યું અને કહ્યું, હું કંઈ કરી શકતો નથી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે 'મારું લોકસભાનું સભ્યપદ એટલા માટે રદ કરવામાં આવ્યું કારણ કે પીએમ મોદી મારા આગામી ભાષણથી ડરી ગયા છે. હું તેમના અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો પર સતત બોલતો રહ્યો છું. મારું આગામી ભાષણ ગૌતમ અદાણી પર થવાનું હતું. મારો અવાજ દબાવવા માટે આવું કરવામાં આવ્યું હતું, પરંતુ હું મારી તપસ્યા ચાલુ રાખીશ. હું ચૂપ નહીં રહીશ મને ડરાવી-ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં. મારી પાસે લોકસભાનું સભ્યપદ છે કે નહીં. હું મારો અવાજ જનતા સુધી પહોંચાડતો રહીશ.'

આ અવસર પર રાહુલ ગાંધીએ કહ્યું કે 'વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓએ આ મુદ્દે તેમનું સમર્થન કર્યું છે. આ માટે તે બધાના આભારી છે.' તેમણે કહ્યું કે 'કેન્દ્રની સરમુખત્યારશાહી સામે વિપક્ષો એક થવાનો સમય છે. આપણે સાથે મળીને કામ કરવાનું છે.'

(11:23 pm IST)