Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૨૦૧૭ની રાજયસભાની એ ચૂંટણી અહેમદભાઈ વિરુદ્ઘ અમિતભાઈની રહેલ

આ ચૂંટણીમાં ભાજપની બે બેઠક નક્કી હતીઃ એક બેઠક માટે ૨ અઠવાડિયાની લડાઈ બાદ અહેમદભાઈ જીતેલ : પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટયા હતા

ગાંધીનગર, તા.૨૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાણકય કહેવાતા અહેમદ પટેલનું આજે નિધન થયું છે. બિહાર ઈલેકશનમાં ખરાબ પ્રદર્શન બાદ ઘેરાયેલી કોંગ્રેસ માટે આ દિગ્ગજ નેતાનું અચાનક જતુ રહેવું પાર્ટી માટે નુકસાન કહેવાઈ રહ્યું છે. એટલે જ તેઓને કોંગ્રેસના ચાણકય કહેવામાં આવતા. તેઓએ અનેક પ્રસંગોએ કોંગ્રેસને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. તેમનું વર્ચસ્વ ગુજરાતના રાજયસભાના ઈલેકશન ૨૦૧૭માં પણ જોવા મળ્યું.

ગુજરાત વિધાનસભા ઈલેકશનની આસપાસ ગુજરાતમાં ત્રણ સીટ પર રાજયસભા ઈલેકશન થયું હતું. બે સીટ પર બીજેપીની જીત પક્કી હતી અને ત્રીજી સીટ પર પેચ ફસાયેલો હતો. ૨૦૧૭ રાજયસભા ઈલેકશનમાં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ત્રીજી સીટને લઈને કાંટાની ટક્કર થઈ હતી. બંને પક્ષ અડધી રાતે ઈલેકશન પંચ પહોંચ્યા અને આખરે જઈને અહેમદ પટેલને જીત નસીબ થઈ હતી.

કોંગ્રેસે ભલે એક જ સીટ પર જીત નોંધી હતી, પરંતુ બે સપ્તાહ લાંબી ખેંચતાણ બાદ મળેલી જીત કોંગ્રેસ માટે કોઈ મેદાની જીતથી ઓછી ન હતી. હકીકતમાં બીજેપીના ચાણકય કહેવાતા અમિત શાહની એન્ટ્રી બાદ આ ઈલેકશન શાહ વર્સિસ અહેમદ પટેલ થઈ ગયું હતું.

ત્રીજી સીટ પર કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવાર હતા, જયારે કે બીજેપીએ તેમની સરખામણી કોંગ્રેસથી આવેલ બળવંત રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજયસભા માટે ત્રણ સાંસદ પસંદ કરવામાં આવ્યા હતા. એક સાંસદ માટે ઓછામાં ઓછા ૪૭ વોટની જરૂર હોય છે.

(3:29 pm IST)