Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

બિહારમાં બંદૂકની અણીએ માત્ર 45 સેકન્ડમાં 39 લાખની લૂંટ : 5 બાઇક સવાર લૂંટારુઓ ગાર્ડને ગોળી મારીને ફરાર

પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીઓની શોધવા કવાયત હાથ ધરી

બિહારના મધુબનીમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. હથિયારધારી બદમાશોએ બંદૂકની અણીએ 39 લાખ રૂપિયા લૂંટી લીધા. લૂંટનો વિરોધ કરતા કેશ વાનના ગાર્ડને બદમાશોએ ગોળી મારી હતી. ઘટનાને અંજામ આપીને આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. ગાર્ડને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ હૃદયદ્રાવક ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોક ખાતે એક્સિસ બેંકની સામે બની હતી. મધુબની પોલીસે  જણાવ્યું કે, એલઆઈસીની કેશ વાનમાં 39 લાખ રૂપિયા જઈ રહ્યા હતા. આ અંગે જાણ થતાં જ બાઇક પર સવાર પાંચ બદમાશો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે બંદૂકની અણીએ લૂંટ અને હત્યાની આ ઘટનાને અંજામ આપ્યો હતો. માત્ર 45 સેકન્ડમાં તેણે આ આખી ઘટના પૂરી કરી.

આ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીઓની શોધ કરી રહી છે. મધુબની પોલીસે જણાવ્યું કે, કેશ વાનમાં એલઆઈસીની બેનીપટ્ટી શાખાના 14 લાખ રૂપિયા અને મુખ્ય શાખાના 25 લાખ રૂપિયા હતા. ડ્રાઇવર જેવો એક્સિસ બેંકની સામે પહોંચ્યો કે, તરત જ ગુનેગારોએ હુમલો કર્યો હતો અને તેઓએ લૂંટ ચલાવી હતી.

તેઓએ વાનમાંથી પૈસા લૂંટી લીધા અને ગાર્ડને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ ત્યાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે મૃતક રક્ષકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. બદમાશોને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંકની બહાર લૂંટની ઘટના સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ગુરુવારે એક ખાનગી મીડિયા અને મનોરંજન કંપનીના ટોચના અધિકારીઓના દિલ્હીમાં બે સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં 192.48 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈએ યુકે સ્થિત કંપની, મોલીનેર લિમિટેડ અને તેના ભારતીય ડિરેક્ટરો સામે બેંક ઓફ ઈન્ડિયાની લંડન શાખા સાથે 192.48 કરોડની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

(9:02 pm IST)