Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

માતા-પિતાની ગોળી મારી હત્યા કરનારાને મૃત્ય દંડની સજા ફટકારાઈ

છત્તીસગઢના દુર્ગ જિલ્લાની એક અદાલતનો ચુકાદો : ૩૧૦ પાનાના ચુકાદામાં મહાભારતના કેટલાક શ્લોકોનો હવાલો આપતા જજે કહ્યું કે, મૃત્યુદંડ એ દોષિત માટે યોગ્ય સજા હશે જેથી કરીને ફરી કોઈ માતા-પિતાની હત્યા જેવા જઘન્ય અપરાધ કરવાની હિંમત ન કરે

દુર્ગ, તા.૨૪ : છત્તીસગઢના દુર્ગ જિલ્લાની એક અદાલતે ૪૭ વર્ષીય વ્યક્તિને ૨૦૧૮માં તેના માતા-પિતાને ઘરે ગોળી મારીને હત્યા કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. આ મામલે નિર્ણય લેતી વખતે કોર્ટે તેને ભયાનક અને દુર્લભ ઘટના ગણાવી છે. એડિશનલ સેશન્સ જજ શૈલેષ કુમાર તિવારીએ સોમવારે ૩૧૦ પાનાના ચુકાદામાં મહાભારતના કેટલાક શ્લોકોનો હવાલો આપતા કહ્યું હતું કે, મૃત્યુદંડ એ દોષિત માટે યોગ્ય સજા હશે જેથી કરીને ફરી કોઈ માતા-પિતાની હત્યા જેવા જઘન્ય અપરાધ કરવાની હિંમત ન કરે.આ કેસમાં સરકારી વકીલ સુરેશ પ્રસાદ શર્માએ મંગળવારે જણાવ્યું કે, મુખ્ય આરોપી સંદીપ જૈનને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ તેને હથિયારો પૂરા પાડનારા અન્ય બે આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.૧ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ આરોપી સંદીપ જૈને દુર્ગમાં તેના ૭૨ વર્ષીય પિતા રાવલમલ જૈન અને ૬૭ વર્ષીય માતા સુરજી દેવીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યારા સંદીપના પિતા પ્રખ્યાત વેપારી અને સામાજિક કાર્યકર હતા. ઘરમાં માત્ર ૩ લોકો રહેતા હતા. શંકાસ્પદ સંજોગોમાં માતા-પિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસે સંદિપને સંજોગોવશાત પુરાવાના આધારે ધરપકડ કરી હતી. કારણ કે તે ઘટના સમયે બે મૃતકો સિવાય ઘરમાં એક માત્ર હાજર વ્યક્તિ  હતો.

૫ વર્ષ સુધી ચાલેલા કેસમાં આખરે કોર્ટમાં સાબિત થયું કે, આરોપી સંદીપ અને તેના પિતા વચ્ચે પ્રોપર્ટી સહિતના અનેક મુદ્દે મતભેદો હતા અને તેના કારણે આરોપીએ મિલકત હડપવા માટે માતા અને પિતા બંનેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સરકારી વકીલે જણાવ્યું કે સંદીપે મિલકતમાંથી કાઢી મૂકવાના ડરના કારણે માતા-પિતાની હત્યા કરી હતી.

અદાલતે દલીલો સાંભળ્યા બાદ અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ સંદીપને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સંદીપને પિસ્તોલ આપનાર ભગત સિંહ ગુરુદત્ત અને શૈલેન્દ્ર સાગરને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૧૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

 

(7:18 pm IST)