Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારવાની ધમકી આપનાર સામે ફરિયાદ

અજાણ્યા ફોન કોલથી ધમકી મળી : આરોપીનું નામ અમર સિંહ છે, પોલીસ સ્ટેશન બમીઠામાં કલમ ૫૦૬, ૫૦૭ હેઠળ અમર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી

છતરપુર, તા.૨૪ : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં છત્તીસગઢના રાયપુરમાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધીરેન્દ્ર શાસ્ત્રીને એક અજાણ્યા ફોન કોલ પરથી ધમકી મળી છે. છતરપુરના બમીઠા પોલીસ સ્ટેશનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ લોકેશ ગર્ગ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ધીરેન્દ્રનો હાલમાં રાયપુરમાં દિવ્ય દરબાર ચાલી રહ્યો છે.

છતરપુરના એસપી સચિન શર્માએ કેસ નોંધ્યો હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણા્વયું કે, આરોપીનું નામ અમર સિંહ છે. પોલીસ સ્ટેશન બમીઠામાં ધારા ૫૦૬, ૫૦૭ હેઠળ અમર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીઓ મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. તેમણે હાલમાં જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હલચલ મચાવી દીધી હતી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું કે, 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા' હવે મારું પણ એવું જ સૂત્ર છે કે 'તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેગેં' બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ.

 

(7:17 pm IST)