Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાજીવ ગાંધી ફિક્કી ગુજરાત સ્‍ટેટ કાઉન્‍સિલના ચેરમેન તરીકે નિમાયા

મુંબઇ, તા.૨૪: હેસ્‍ટર બાયોસાયન્‍સિસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી રાજીવ ગાંધી ફિક્કી ગુજરાત સ્‍ટેટ કાઉન્‍સિલના ચેરમેન તરીકે નિમાયા છે.

શ્રી રાજીવ ગાંધીએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ફિક્કીમાં સેવા આપવી તથા તેને મજબૂત બનાવવી એક ગૌરવની વાત ઉપરાંત જવાબદારી પણ છે. અત્‍યારે સમગ્ર વિશ્વ કુતુહલ નજરે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક પાવરહાઉસ હોવાના નાતે ગુજરાત, ભારતના વિકાસને વધુ આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. સંપત્તિ સર્જકો, ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકોને મદદ પૂરી પાડવાનો મારો પ્રયાસ રહેશે. ફિક્કી ગુજરાત સ્‍ટેટ કાઉન્‍સિલના વિદાય લઈ રહેલા ચેરપર્સન કુ. ગીતા ગોરડિયાએ નિર્ધારિત કરેલા માર્ગે આગળ વધવાનો તથા ફિક્કીના પ્રેસિડેન્‍ટ શ્રી શુભ્રકાંત પાંડાના નેતળત્‍વ હેઠળ ફિક્કીના ઉદ્દેશ્‍યો માટે કામ કરવાનો પણ મારો પ્રયાસ રહેશે.

૧૧ જુલાઈ, ૧૯૬૨ના રોજ જન્‍મેલા રાજીવ ગાંધી પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિક છે.

બોમ્‍બે યુનિવર્સિટીથી બી.કોમ. ગ્રેજ્‍યુએટ થયેલા શ્રી રાજીવ ગાંધીએ એનિમલ હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સના વિતરણ માટે મુંબઈમાં ૧૯૮૫માં પ્રોપરાઈટરી ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી જેમાં તેમને એનિમલ હેલ્‍થ બિઝનેસમાં કોઈ અનુભવ કે જાણકારી નહોતી.

ત્‍યારબાદ તેમણે પ્રોપરાઈટરી બિઝનેસને અમદાવાદમાં હેસ્‍ટર બાયોસાયન્‍સિસના નામ હેઠળ એશિયાની એક જ સ્‍થળે આવેલી સૌથી મોટી એનિમલ વેક્‍સિન અને હેલ્‍થ પ્રોડક્‍ટ્‍સ ઉત્‍પાદક કંપની બનાવી. હાલ હેસ્‍ટર ૫૦૦ કર્મચારીઓ સાથેની એક મજબૂત કંપની છે જેણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૨૧૯.૩૫ કરોડનું ટર્નઓવર તથા રૂ. ૩૯.૫૨ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે.

હેસ્‍ટરે બાદમાં અનુક્રમે નેપાળ તથા ટાન્‍ઝાનિયામાં પ્‍લાન્‍ટ્‍સ સ્‍થાપીને તેની એનિમલ વેક્‍સિન ઉત્‍પાદન કામગીરીને વિસ્‍તારી હતી. વર્ષ ૨૦૧૬માં રાજીવને અમદાવાદ મેનેજમેન્‍ટ એસોસિયેશન (એએમએ) દ્વારા આઉટસ્‍ટેન્‍ડિંગ આંત્રપ્રિન્‍યોર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

(4:21 pm IST)