Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

નવેમ્‍બરથી ગૂગલ, માઇક્રોસોફટ સહિત મોટી અને નાની કંપનીઓ દ્વારા લગભગ ૨ લાખ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્‍યા

૩૦% થી ૪૦% ભારતીયોને અમેરિકામાં નોકરીમાં છૂટા કરવામાં આવ્‍યા છે, તેઓ નવી નોકરીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે : છૂટા કરાયેલા ભારતીયોમાં મોટી સંખ્‍યામાં H-1B અને L1 વિઝા ધારકો છે

નવી દિલ્‍હી,તા. ૨૪: ગૂગલ, માઈક્રોસોફટ, ફેસબુક અને એમેઝોન સહિતની ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે, જેમાં મોટી સંખ્‍યામાં ભારતીયોનો સમાવેશ થાય છે. ધ વોશિંગ્‍ટન પોસ્‍ટ અનુસાર, ગયા વર્ષે નવેમ્‍બરથી, ગૂગલ, માઇક્રોસોફટ સહિત મોટી અને નાની કંપનીઓ દ્વારા લગભગ ૨ લાખ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્‍યા છે. બરતરફ થયા પછી ભારતીયો યુએસમાં રહેવા માટે નવી નોકરીઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે H-1B વિઝા ધારકોને નોકરીમાંથી કાઢી મૂક્‍યાના ૬૦ દિવસની અંદર નવી નોકરી શોધવાની હોય છે. જો કોઈને ૬૦ દિવસમાં નોકરી ન મળે તો તેણે અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત ફરવું પડશે.

ન્‍યૂઝ એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, યુએસમાં ૩૦% થી ૪૦% થી વધુ ભારતીય આઈટી પ્રોફેશનલ્‍સને બરતરફ કરવામાં આવ્‍યા છે. જેમાં મોટી સંખ્‍યામાં લોકો H-1B અને L1 વિઝા ધારકો છે. વાસ્‍તવમાં H-1B વિઝા નોન-ઇમિગ્રન્‍ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને રોજગારી આપવાની પણ મંજૂરી આપે છે. ટેક્‍નોલોજી કંપનીઓ H-1B વિઝા મેળવ્‍યા પછી જ ભારત, ચીન સહિત ઘણા દેશોના હજારો લોકોને નોકરી આપે છે.

ન્‍યૂઝ એજન્‍સીના જણાવ્‍યા પ્રમાણે એમેઝોનમાં કામ કરતી ગીતા (નામ બદલ્‍યું છે) ત્રણ મહિના પહેલા જ અમેરિકા આવી હતી. આ અઠવાડિયે તેમને કહેવામાં આવ્‍યું છે કે ૨૦ માર્ચ તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. ટેક કંપનીઓ છટણીની પળોજણમાં હોવાથી, ટૂંકા ગાળામાં નોકરી મેળવવી અશક્‍ય છે. જયારે સીતા (નામ બદલેલ છે)એ જણાવ્‍યું કે તે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતી હતી. માઇક્રોસોફટે તેને ૧૮ જાન્‍યુઆરીએ નોકરીમાંથી કાઢી મૂક્‍યો હતો. તેણે સમજાવ્‍યું કે તે એક સિંગલ મધર છે જેનો પુત્ર હાઈસ્‍કૂલમાં છે અને કોલેજમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે.

સિલિકોન વેલી સ્‍થિત ઉદ્યોગસાહસિક અને સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ જણાવ્‍યું હતું કે, તે કમનસીબ છે કે હજારો ટેક્‍નોલોજી કામદારો છટણીનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને H-1B વિઝા પર જેઓ વધારાના પડકારોનો સામનો કરી રહ્યા છે. ૬૦ દિવસમાં નવી નોકરી શોધવી પડશે. ટેક કંપનીઓ H-1B વિઝા કામદારો પર વિશેષ ધ્‍યાન આપવું અને તેમની ભરતીની સમયમર્યાદા થોડા મહિનાઓ સુધી લંબાવવી, કારણ કે વર્તમાન બજારને જોતાં નોકરી શોધવી પડકારરૂપ બની શકે છે.

તાજેતરમાં ૧૭ જાન્‍યુઆરીના રોજ, યુનાઈટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકાએ અહેવાલ આપ્‍યો હતો કે ભારતીયોને બિઝનેસ વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને H1B જારી કરવામાં નોંધપાત્ર સુધારો થયો છે. કોરોના રોગચાળા પછી મુસાફરી ફરી શરૂ થતાંની સાથે જ વિઝા આપવાના સંદર્ભમાં ગંભીર પડકારો હતા. જો કે, યુએસએ કહ્યું કે તેણે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સ્‍ટાફની સંખ્‍યા વધારવા જેવા ઘણા પગલાં લીધા છે.

(11:05 am IST)