Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

અમેરિકાના બે શહેરોમાં ફરી અંધાધૂંધ ગોળીબારઃ ૨ વિદ્યાર્થીઓ સહિત ૯ના મોતઃ હુમલાખોરની ધરપકડ

આમાંથી એક શહેર આયોવા અને બીજું હાફ મૂન બે છે

નવી દિલ્‍હી,તા.૨૪: અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોન્‍ટેરી પાર્કમાં થયેલા ફાયરિંગની ઘટનાને કેલિફોર્નિયાના લોકો પણ ભૂલ્‍યા ન હતા કે અમેરિકાના બે શહેરોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં કુલ ૯ લોકોના મોત થયા છે. અમેરિકી મીડિયાના જણાવ્‍યા અનુસાર, લેટેસ્‍ટ હુમલો કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરમાં થયો હતો. ફાયરિંગની આ ઘટનામાં ૭ લોકોના મોત થયા હતા. ઘટનાસ્‍થળે પહોંચીને અમેરિકન શેરિફ (યુએસ પોલીસ)એ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ સિવાય આયોવાની એક શાળામાં ફાયરિંગની બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે.

કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરની વાત કરીએ તો, અહીં સોમવારે એક હુમલાખોરે અચાનક એક સાથે અનેક લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો અને ૭ લોકોના મોત થયા. કાઉન્‍ટીની શેરિફ ઓફિસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરની થોડી જ વારમાં ધરપકડ કરવામાં આવી હતી. હાફ મૂન બે શહેર સાન ફ્રાન્‍સિસ્‍કોથી લગભગ ૨૮ માઇલ (૪૫ કિલોમીટર) દક્ષિણમાં આવેલું છે.

આયોવામાં શાળામાં ફાયરિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા, જયારે એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. શેરિફ ઓફિસના જણાવ્‍યા અનુસાર, ગોળીબાર ડેસ મોઇન્‍સ સ્‍કૂલમાં કાર્યક્રમ દરમિયાન થયો હતો. અહીં બપોરે એક વાગ્‍યે ઇમરજન્‍સી કામદારોને શાળામાં બોલાવવામાં આવ્‍યા હતા. અધિકારીઓને ગંભીર ઈજાઓ સાથે ૨ વિદ્યાર્થીઓ મળ્‍યા, તેઓને તાત્‍કાલિક CPR આપવામાં આવ્‍યા. હોસ્‍પિટલમાં બંને વિદ્યાર્થીઓના મોત થયા હતા.

આયોવામાં ઘટનાના ૨૦ મિનિટ પછી, પોલીસે કારમાંથી ૩ શંકાસ્‍પદોને કસ્‍ટડીમાં લીધા. જયારે એક આરોપી કારમાંથી ભાગી ગયો હતો. સાર્જન્‍ટ પોલ પારિઝેકે જણાવ્‍યું કે આ ઘટના અચાનક નથી બની, તેને સંપૂર્ણ આયોજન હેઠળ અંજામ આપવામાં આવ્‍યો હતો. કેલિફોર્નિયાના મોન્‍ટેરી પાર્કમાં તાજેતરમાં થયેલા ગોળીબાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ધ્‍વજને અડધી માસ્‍ટ પર લહેરાવવાનો આદેશ આપ્‍યો હતો.

બે દિવસ પહેલા જ કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ૧૧ લોકો માર્યા ગયા હતા. આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે. યુએસ મીડિયાએ અહેવાલ આપ્‍યો હતો કે મોન્‍ટેરી પાર્ક ચાઇનીઝ નવા વર્ષની ઉજવણીનું આયોજન કરી રહ્યું હતું. શનિવારે રાત્રે લગભગ ૧૦ વાગ્‍યે (અમેરિકાના સમય અનુસાર) અહીં ઝડપી ગોળીબાર કરવામાં આવ્‍યો હતો. આ દરમિયાન અહીં મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા. ફાયરિંગમાં ઓછામાં ઓછા ૧૬ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી ૧૧ લોકોના મોત થયા છે. મોન્‍ટેરી પાર્ક એ લોસ એન્‍જલસ કાઉન્‍ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્‍જલસથી આશરે ૧૧ કિમી દૂર છે.

(10:59 am IST)