Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

આ લે લે ! યુ.કે.માં ગોરાઓને ચા સાથે બિસ્‍કિટ નહીં પણ સમોસા વધુ ભાવે

ડો. શેરોન હોલ ઓફ યુનાઈટેડ કિંગ્‍ડમ ટી એન્‍ડ ઈફયુશન એસોસિએશનના જણાવ્‍યા મુજબ હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્‍યું છે કે યુકેના યુવાનોને ચા સાથે બિસ્‍કિટની જગ્‍યાએ ક્રિસ્‍પી સમોસા વધુ ભાવી રહ્યા છે

લંડન, તા.૨૪: ચાની સાથે બિસ્‍કીટ ખાવા તે પશ્‍ચિમી દેશની સંસ્‍કળતિ છે. યુનાઈટેડ કિંગડમમાં એક સર્વે કરવામાં આવ્‍યો છે. આ સર્વે પરથી જાણવા મળ્‍યું છે કે, યુવાવર્ગ ચાની સાથે બિસ્‍કીટ ખાવાની જગ્‍યાએ સમોસા અને ગ્રેનોલા બાર ખાવાનું પસંદ કરી રહ્યો છે.

યુનાઈટેડ કિંગડમ ટી એન્‍ડ ઈન્‍ફયૂઝન એસોસેએશન (UKTIA) દ્વારા ૧,૦૦૦ લોકોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. આ સર્વે અનુસાર ૧૦માંથી એક ૧૮થી ૨૯ વર્ષની વ્‍યક્‍તિ ચાની સાથે ગ્રેનોલા બાર ખાવાનું પસંદ કરે છે. ૬૫થી વધુ વર્ગના લોકો પણ ચાની સાથે ગ્રેનોલા બાર ખાવાનું પસંદ કરે છે.

આ સર્વેમાં બીજા સ્‍થાન પર સમોસા આવે છે. આ સર્વેમાં જાણવા મળ્‍યું છે કે, આઠ ટકા યુવાઓને ચાની સાથે ભારતીય નાશ્‍તો સમોસા ખાવા ગમે છે. ૬૫થી વધુ ઉંમરની વ્‍યક્‍તિને સમોસા ખાવા પસંદ નથી.

UKTIAના મુખ્‍ય અધિકારી ડો. શેરોન હોલે ધ ટેલીગ્રાફ ન્‍યૂઝપેપરને આ અંગે નિવેદન આપ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે, ‘મને લાગી રહ્યું છે કે, લોકો ગ્રેનોલા બારની વધુ ખરીદી કરી રહ્યા છે, આ કારણોસર તેઓ કદાચ ચાની સાથે ગ્રેનોલા બાર ખાઈ રહ્યા હશે. તેઓ કદાચ કંઈક સારી વસ્‍તુ શોધી રહ્યા હશે અને આ જ બાબત સમોસા પર લાગુ થાય છે.'

ડો. શેરોન હોલ વધુમાં જણાવે છે કે, ‘યુવાઓને મસાલેદાર અને ચટપટો સ્‍વાદ પસંદ આવે છે. યુવાઓએ સમગ્ર વિશ્વમાં ટ્રાવેલ કરતા સમયે અલગ અલગ વ્‍યંજનોનો સ્‍વાદ ચાખ્‍યો હશે. આ કારણોસર તેમને સ્‍વાદિષ્ટ નાસ્‍તો પસંદ આવી રહ્યો છે. આપણે અન્‍ય એક બાબત જાણવામાં વધુ રસ દાખવી રહ્યા છીએ. અલગ અલગ જગ્‍યાએ ટ્રાવેલ કર્યું હોવાને કારણે તેઓ આ વ્‍યંજનથી ટ્રાવેલની યાદોને વાગોળતા હશે. ચાના કારણે સકારાત્‍મક લાગણીઓ ઊત્‍પન્ન થાય છે.'

માર્કેટ રિસર્ચ કંપની મિંટેલની એક સ્‍ટડી પરથી જાણવા મળ્‍યું છે કે, ૫૫ વર્ષથી વધુ ઉંમરના લોકો ચાની સાથે બિસ્‍કીટ ખાવાનું પસંદ કરે છે. ૧૬થી ૨૪ વર્ષના લોકોને ચાની સાથે બિસ્‍કીટ પસંદ આવી રહ્યા છે, પરંતુ ૫૫ વર્ષથી વધુ લોકોની સંખ્‍યાની સરખામણીએ આ સંખ્‍યા અડધી છે.

મિંટેલે ઓગસ્‍ટ-ઓક્‍ટોબર ૨૦૨૨માં ૨,૦૦૦ ચાના રસિયાઓનું ઈન્‍ટરવ્‍યૂ લીધું હતું. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો યુવાવર્ગ ગરમ પીણાની સાથે બિસ્‍કીટનું સેવન નહીં કરે, તો બિસ્‍કીટના વેચાણ પર જોખમ ઊભું થઈ શકે છે.

મિંટેલ ફૂડ એન્‍ડ ડ્રિંકના ડાયરેક્‍ટર જોની ફોર્સિથે એક ન્‍યૂઝપેપરને ઈન્‍ટરવ્‍યૂ આપ્‍યું છે. આ ઈન્‍ટરવ્‍યૂમાં તેમણે જણાવ્‍યું છે કે, નાશ્‍તાના કારણે ભોજન પર અસર નહીં થાય. યુવાવર્ગ પાસે ભોજન કરવા માટે પૂરતો સમય નથી અને ટીકટોકે રસોઈની કેટલીક બાબતો વિશે જાણકારી આપી છે.

(11:05 am IST)