Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પાક વીમા યોજનાની જેમ પશુધન વીમા યોજના આવશે !

પશુપાલકો માટે બજેટમાં આવી શકે છે ખુશખબર : બજેટમાં આ યોજનાની વ્‍યાપક રૂપરેખા રજૂ થવાની શકયતા

નવી દિલ્‍હી, તા.૨૪ : પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી કરી રહી છે. આ વીમાના વ્‍યાપમાં દેશી અને સંકર નસલના બધા પશુઓ આવશે. તેમાં યાક અને સાંઢને પણ સામેલ કરવામાં આવી શકે છે.

સુત્રોએ કહ્યું કે આ યોજનાને કૃષિ ક્ષેત્રની પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવું ઔપચારિકરૂપ આપી શકાય છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂત બધા ખરીફ પાકો માટે વીમાની રકમનું ૧.૫ ટકા અને રવિ પાકો માટે ૨ ટકા પ્રીમીયમ આપે છે. બાગ બગીચા અને કપાસ માટે તેમણે મહત્તમ પાંચ ટકા પ્રીમીયમ ચુકવવું પડે છે.

પશુધન માટે યુનિવર્સલ વીમા યોજનાની વ્‍યાપક રૂપરેખા આગામી બજેટમાં જાહેર થઇ શકે છે પણ તેની અલગથી પુષ્‍ટિ નથી થઇ શકી. સુત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જેમ જ પશુધન વીમા યોજનામાં પણ પશુપાલકોએ બહુ ઓછું પ્રીમીયમ આપવુ પડશે. સાથે જ રાજય તથા કેન્‍દ્ર સરકાર સબસીડીના રૂપમાં પ્રીમીયમનો એક હિસ્‍સો આપી શકે છે.

આ વીમા યોજના આવશે તો દેશના લાખો પશુપાલકોને મોટી રાહત મળશે કેમ કે લમ્‍પી અને અન્‍ય બીમારીઓના કારણે તેમણે ઘણું મોટુ નુકશાન વેઠવુ પડયુ છે. કેટલાક લોકોનું કહેવુ છે કે આ પ્રસ્‍તાવ વર્તમાન ગૌસંરક્ષણ અભિયાન માટે અનુラકૂળ છે.

અત્‍યારે મોટા ભાગની વીમા કંપનીઓ પાસે પશુધન વીમા સંબંધીત યોજનાઓ છે. આ ઉપરાંત કેન્‍દ્ર સરકાર પશુધન વીમા યોજના નામથી એક યોજના ચલાવી રહી છે. આ યોજના માટે ૧૦મી પંચવર્ષીય યોજના દરમ્‍યાન ૨૦૦૫-૦૬ અને ૨૦૦૬-૦૭માં તથા ૧૧મી પંચવર્ષીય યોજના દરમ્‍યાન ૨૦૦૭-૦૮માં ૧૦૦ જીલ્લાઓને પસંદ કરાયા હતા. ત્‍યારબાદ ૨૦૦૮-૦૯માં વધુ ૧૦૦ જીલ્લાઓમાં તે લાગુ કરાઇ હતી.

આ યોજના અંતર્ગત સંકર અને વધુ દૂધ આપનારા પશુઓ તથા ભેંસોનો વીમો તેમના વર્તમાન બજારભાવના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના વીમાના પ્રીમીયમ પર ૫૦ ટકા સબસીડી પણ આપવામાં આવે છે. સબસીડીનો સંપૂર્ણ ખર્ચ કેન્‍દ્ર સરકાર ઉઠાવે છે. યોજનાની મુદત ત્રણ વર્ષની હોય છે અને દરેક પશુપાલકને વધુમાં વધુ બે પશુઓ માટે જ સબસીડી આપવામાં આવે છે.

ભારતમાં સંકર અને દેશી નસલના પશુઓની સંખ્‍યા ૧૯.૩ કરોડથી પણ વધારે છે જે વિશ્‍વમાં સૌથી વધારે છે પણ દેશી નસલની ગાયનો દૂધ ઉત્‍પાદન દર સંકર ગાય અથવા ભેંસની સરખામણીમાં બહુ ઓછો છે.

(10:54 am IST)