Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાહુલની ટીમ માટે માપદંડ : રોલ એન્‍ડ રીસ્‍પોન્‍સીબીલીટી

કેન્‍દ્ર અને ગુજરાતના સંગઠનમાં ક્રાંતિકારી પધ્‍ધતિથી ચહેરાની પસંદગી થશે : નવા ચહેરાઓનો ઉદય

નવી દિલ્‍હી, તા. ૨૩ ­:. કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ રાહુલ ગાંધીએ સંગઠનમાં નવો પ્રાણ ફુંકવા ધરમુળથી ફેરફાર કરવાનુ મન બનાવ્‍યાનું કોંગી વર્તુળો જણાવે છે. મારા-તારાના બદલે સારા-સારાને સંગઠનમાં સ્‍થાન મળે તે માટે વિવિધ રાજ્‍યોમાં નજર દોડાવવાનું શરૂ થઈ ગયુ છે. રાહુલની ટીમ માટે રોલ (ભૂમિકા) એન્‍ડ રીસ્‍પોન્‍સીબીલીટી (જવાબદારી) મુખ્‍ય માપદંડ રહેશે. કેન્‍દ્રીય અને ગુજરાતના સંગઠન માળખામાં આ જ માપદંડના આધારે મોટા ફેરફારો આવી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્‍યાને રાખીને નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે.

રાહુલે કમાન સંભાળતા કોંગ્રેસમાં નવુ જોમ આવ્‍યુ છે. ગુજરાતની ચૂંટણીમાં વર્ષો બાદ પાર્ટીને બહુમતીની નજીકની બેઠકો મળતા કોંગ્રેસ માટે અચ્‍છે દિનની આશા વધી છે. ગુજરાતમાં સરકાર બનાવવામા કોંગ્રેસ સફળ થઈ નથી પરંતુ ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૮૦ જેટલી બેઠકો મળી છે. ભાજપની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં કોંગ્રેસે જબ્‍બર જનાધાર વધાર્યો તેના ઉત્‍સાહની અસર લોકસભાની ચૂંટણી પર પડશે.

ભૂતકાળમાં માત્ર જાણીતા ચહેરા હોવાના કારણે અથવા અન્‍ય માપદંડના આધારે પ્રદેશ સંગઠનમાં કે કેન્‍દ્રના સંગઠનમા સ્‍થાન મળી જતુ તેના બદલે હવે રોલ એન્‍ડ રીસ્‍પોન્‍સીબીલીટીનો માપદંડ નક્કી કરવામાં આવ્‍યો છે. અસરકારક રીતે કામ કરી શકે તેવા કાર્યકરોને જ તક અપાશે. વારંવાર નિષ્‍ફળ જતા છાપેલા ચહેરાઓને એકબાજુ હડસેલી નવા આશાસ્‍પદ ચહેરાઓને તક આપવાનો રાહુલે કોંગ્રેસીઓને નિર્દેશ આપી દીધો છે. રાહુલની નવી ટીમમાં આ માપદંડનો પ્રભાવ દેખાઈ આવશે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના હોમ સ્‍ટેટ ગુજરાતમાં ભાજપ માટે મોટો પડકાર ઉભો કરવા પ્રદેશના સંગઠન માળખામાં ઉપરોકત માપદંડ આધારીત ધરખમ ફેરફારો આવી રહ્યાનું જાણવા મળે છે.

 

(4:27 pm IST)