Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

બિટકોઇનમાં ૧૧૦૦૦ ડોલરનું ગાબડું: લોકોના કરોડો ફસાયા

૨૦ હજાર ડોલર નજીક પહોંચી હતી તેની કિંમત

નવી દિલ્હી તા. ૨૩ : આ મહિનાની શરૂઆતમાં જોરદાર ઉછાળાની સાથે મૂડીરોકાણકારોને જંગી કમાણી કરી આપનાર બિટકોઇનની કિંમતમાં એકાએક મોટો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસના ગાળામાં ઘટાડાનો દોર આજે શુક્રવારે ૧૨૭૬૦ ડોલર સુધી પહોંચી ગયો હતો. શુક્રવારે માત્ર ૧૦ મિનિટમાં જ તેની કિંમતમાં ૧૦૦૦ ડોલર કરતા જ વધુનો ઘટાડો થયો છે. દિવસના અંત સુધીમાં ૧૪,૦૦૦ ડોલર થી ઘટીને ૧૨,૦૦૦ ડોલર સુધી કિંમત પહોંચી ગઈ છે.

આ પહેલી વખત નથી થયું કે બિટકોઈનની કિંમતમાં આટલી ઝડપથી ઘટાડો અથવા વધારો જોવા મળ્યો હોય. આ પહેલા પણ બિટકોઈનમાં એક દિવસમાં ૬ વખત ૩૦ ટકાનો ઘટાડો થયેલો છે. ગત રવિવારના દિવસે ૨૦,૦૦૦ ડોલર સુધીની કિંમત પર પહોંચી ગયા બાદ બિટકોઇનની કિંમતમાં એકાએક એક તૃતિયાંશ સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આ વર્ષની શરૂઆતમાં ૧૦૦૦ અમેરિકી ડોલરથી ઓછા સ્તર પર કારોબાર કરી રહેલા આ ક્રિપ્ટો કરન્સીની કિંમતમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. આ આંકડો રવિવારના દિવસે ૧૯૬૬૦ ડોલર સુધી પહોંચી ગયો હતો. ક્રિપ્ટોકમ્પેયર વેબસાઈટના ફાઉન્ડર અને ચીફ એકિઝકયુટિવે કહ્યું કે, 'વર્ષના અંતમાં મોટાભાગના ઈન્વેસ્ટર પોતાનો નફો બહાર નીકાળવા માંગતા હતા. આજ કારણ છે કે ક્રિસમસ અને ન્યૂ યર પહેલા બિટકોઈનમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે.'

બિટકોઈન એક પેમેન્ટ સિસ્ટમ છે જેમાં વર્ચ્યુઅલ કરન્સી આપવામાં આવે છે. બિટકોઈનની વેબસાઈટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવીને ઈ-વોલેટ ખોલાવવાનું હોય છે. તેમાં તમે વાસ્તવિક ચલણ દ્વારા પેમેન્ટ કરીને વર્ચ્યુઅલ કરન્સી ખરીદી શકો છો અને તેવી જ રીતે વેચી પણ શકો છો. ૨૦૦૮માં બિટકોઈનનું ડોમેઈન ખરીદવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની નોંધણી કરાવવામાં આવી અને એક પેમેન્ટ સિસ્ટમ તરીકે તેની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૯ જાન્યુઆરીથી તેને અધિકારિક રીતે સેવામાં મૂકવામાં આવી હતી. આ દુનિયાની પહેલી ક્રિપ્ટોકરન્સી અને વર્ચ્યુઅલ કરન્સી હતી જેનું વાસ્તવિક જગતમાં કોઈ અસ્તિત્વ નહોતું.(૨૧.૫)

(11:29 am IST)