Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

૮ લાખ કમાનાર ‘ગરીબ' તો તેમની પાસેથી વેરો કેમ લેવાય છે ?

કોર્ટની નોટીસનો સરકાર શું જવાબ આપે છે તેની પર સૌની નજર : કોર્ટનો કેન્‍દ્રને સવાલ

નવી દિલ્‍હી,તા. ૨૩ : ઇન્‍કમટેકસના મુદ્દે કેન્‍દ્રને એક મુશ્‍કેલ સવાલનો જવાબ આપવો પડશે. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે આ અંગે જવાબ માંગ્‍યો છે. આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં આવકવેરા વસૂલાતની હાલની જોગવાઇને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે મૂળ આવક રૂા. ૨.૫ લાખ છે. જ્‍યારે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામતની વાીર્ષક આવક મર્યાદા ૮  લાખ રૂપિયા રાખવામાં આવી છે. અરજદારે આ વિસંગતતા પર સવાલ ઉઠાવ્‍યા છે. અરજદારે ૮ લાખ રૂપિયાથી ઓછી આવક જૂથમાં આવતા તમામ લોકોને ટેક્‍સના દાયરાની બહાર રાખવાનો મુદ્દો ઉઠાવ્‍યો છે. અરજદારનો તર્ક ખૂબ જ મજબૂત છે. આમ કરીને  સરકારે સ્‍વીકાર્યું છે કે ૮ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારો આર્થિક રીતે નબળા છે. આવી સ્‍થિતીમાં સરકાર ‘ગરીબો' પાસેથી ટેક્‍સ કેવી રીતે વસૂલ કરી શકે. છેલ્લા ઘણા બજેટમાં સરકારે આવકવેરા સ્‍લેબમાં કોઇ ફેરફાર કર્યો નથી. બીજી વાત છે કે લાંબા સમયથી આવકવેરા મુકિત મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્‍દ્રના જવાબથી એ પણ સ્‍પષ્‍ટ થશે કે આવકવેરા અંગે તનું ભાવિ સ્‍ટેન્‍ડ શું હશે. કેન્‍દ્રીય બજેટ (બજેટ-૨૦૨૨) ની રજુઆતના થોડા મહિના પહેલા કેન્‍દ્ર સરકાર આ અંગે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ૧૦૩માં બંધારણીય સુધારા બિલની કાનુની માન્‍યતાને સમર્થથ આપ્‍યું હતું. જેમાં EWS માટે અનામતની જોગવાઇ કરવામાં આવી છે. EWS માટે આવક મર્યાદા ૭,૯૯,૯૯૯ રૂપિયા સુધી રાખવામાં આવી છે.

જસ્‍ટિસ આર મહાદેવન અને જસ્‍ટિસ સત્‍ય નારાયણ પ્રસાદની બેન્‍ચે નોટીસ જારી કરી હતી. આ નોટીસ કેન્‍દ્રીય કાયદાની સાથે અનેક મંત્રાલયોને મોકલવામાં આવી છે. કોર્ટ હવે ચાર અઠવાડીયા પછી આ મામલે સુનાવણી કરશે.

અરજદારનું કહેવું છે કે સરકારે આર્થિક રીતે નબળા વર્ગને વર્ગીકૃત કરવા માટે અમુક માપદંડો બનાવ્‍યા છે. તેને બનાવવામાં કુલ આવકને મુખ્‍ય પરિણામ બનાવવામાં આવ્‍યું છે. આ જ સ્‍કેલ અન્‍ય જગ્‍યાએ પણ લાગું થયો જોઇએ.

અરજીકર્તા કુન્‍નુર શ્રીનિવાસને હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્‍યો છે. તેમણે અપીલ કરી છે કે ઇન્‍કમ ટેક્‍સ કાયદા હેઠળ બેઝિક ઇન્‍કમની જરૂરિયાતની જોગવાઇ દૂર કરવામાં આવે. તેમણે કહ્યું છે કે સરકાર EWS પરિવાર તરીકે ઇન્‍કમ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે. જેની હેઠળ ૭,૯૯,૯૯૯ સુધીની આવક ધરાવનારાઓને સામેલ કરાયા છે.

(10:42 am IST)