Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

એરટેલના ગ્રાહકોને મોટો ઝટકોઃ હવે મિનિમમ ૧૫૫ રૂપિયાનું કરાવવું પડશે રિચાર્જ : વેલિડિટી ૨૮ નહીં ૨૪ દિવસ જ મળશે

૯૯ રૂપિયાના પ્‍લાનમાં ૯૯ રૂપિયાના ટોકટાઈમ સાથે ૨૦૦MB ડેટા મળતો હતોઃ આ પ્‍લાનમાં કોલ રેટ ૨.૫ પૈસા પર સેકન્‍ડ હતું

નવી દિલ્‍હી, તા.૨૩: એરટેલે હરિયાણા અને ઓડિશામાં પોતાના રિચાર્જ પ્‍લાનની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. કંપનીએ અહીં મિનિમમ રિચાર્જની કિંમત ૫૭ ટકા વધારી દીધી છે. હવે મિનિમમ રિચાર્જ માટે ૯૯ રૂપિયાની જગ્‍યાએ ૧૫૫ રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત નવા પ્‍લાનમાં વેલિડિટી પણ ૨૮ દિવસની જગ્‍યાએ ૨૪ દિવસની મળશે.

૯૯ રૂપિયાના પ્‍લાનમાં ૯૯ રૂપિયાના ટોકટાઈમ સાથે ૨૦૦MB ડેટા મળતો હતો. આ પ્‍લાનમાં કોલ રેટ ૨.૫ પૈસા પર સેકન્‍ડ હતું. ટેરિફમાં વધારાના કારણની વાત કરીએ તો, એરટેલ તેના દ્વારા પોતાની એવરેજ રેવન્‍ય પર યુઝર (ARPU) વધારવા માગતી હતી. એરટલેનું (ARPU) આ વર્ષે બીજા ક્‍વાર્ટર (FY23 Q2)માં ૧૯૦ રૂપિયા હતું. તે તેને ૩૦૦ રૂપિયા સુધી પહોંચાડવા માગે છે.

૧૫૫ રૂપિયાના પ્‍લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 1GB ડેટા, ૩૦૦ SMS અને ૨૪ દિવસની વેલિડિટી મળશે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની ૧૫૫ રૂપિયાથી નીચે તમામ પ્‍લાન બંધ કરી દેશે. રિપોર્ટ્‍સનું માનીએ તો, કંપનીએ આ પ્‍લાનને ટ્રાયલ બેઝ તરીકે બે સર્કલમાં શરુ કર્યો છે અને ટૂંક સમયમાં જ તે બીજા સર્કલમાં પણ રોલઆઉટ કરી દેશે.

ટેલીકોમ રેગ્‍યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્‍યા અનુસાર, એરટેલના ભારતમાં કુલ ૩૬.૪૨ કરોડ યુઝર્સ છે. એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો ૪૧.૯૯ ગ્રાહકો સાથે ટોપ પર છે. તો વલી એરટેલના હરિયાણા સર્કલમાં ૭૯.૭૮ લાખ અને ઓડિશામાં ૧.૩૭ કરોડ કસ્‍ટમર છે.

(10:08 am IST)