Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

૨૨ ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં નિષ્‍ફળ

ચૂંટણી પંચ હવે શું કરશે ? : દરેક ઉમેદવારની ખર્ચની મર્યાદા છે રૂા.૪૦ લાખ

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતીય ચૂંટણી પંચના નિયમો અનુસાર પોતાના ખર્ચની વિગતો રજૂ કરવામાં ત્રણે મુખ્‍ય પક્ષોના ઉમેદવારો નિષ્‍ફળ રહ્યા છે. ૨૨ નવેમ્‍બરની સાંજ સુધીમાં, પહેલા તબક્કાની ૧ ડીસેમ્‍બરે થનાર ચૂંટણીવાળી ૮૯ બેઠકોમાંથી ૨૨ બેઠકોના ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં નિષ્‍ફળ રહ્યા છે. તો સામે ચૂંટણી પંચ પણ તેમને નિયમ ભંગ બદલ નોટીસ આપવામાં નિષ્‍ફળ રહ્યું છે.

રીપ્રેઝન્‍ટેશન ઓફ ધ પીપલ એકટ ૧૯૫૧ની કલમ ૭૭ અનુસાર, ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલ રકમથી વધારે રકમ પોતાના પ્રચાર માટે ના વાપરી શકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર માટે ૪૦ લાખ રૂપિયાની ખર્ચમર્યાદા નક્કી કરાઇ છે. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમ્‍યાન ઉમેદવારનું ખર્ચ રજીસ્‍ટર ખર્ચ ચેક કરનાર ટીમ દ્વારા ત્રણ વાર ચેક કરાય છે.

ઉપરાંત એકપેન્‍ડીચર ઇન્‍સ્‍પેકટર પોતે પણ એક અલગ રજીસ્‍ટર તૈયાર કરે છે જેને શેડો રજીસ્‍ટર કહેવાય છે જેમાં દરેક ઉમેદવાર દ્વારા કરાયેલ ખર્ચ રોજે રોજ લખવામાં આવતા હોય છે. જો કોઇ સ્‍ટાર પ્રચારક કોઇ ઉમેદવારના પ્રચાર માટે આવે તો તેનો મુસાફરી સિવાયનો બધો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવે છે.

કાયદા અનુસાર, રોજીંદા ખર્ચ ઉમેદવારોએ નોંધવાના હોય છે અને કોઇ ઉમેદવાર કોઇ પણ વ્‍યકિતને ૧૦૦૦૦ થી વધારે રોકડ રકમ ના આપી શકે. દરેક ખર્ચના બીલ અને વાઉચર જાળવી રાખવાના હોય છે. ખર્ચની વિગતો ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાની હોય છે.

સંતોષસિંહ રાજપુત નામના એક એકટીવીસ્‍ટે કહ્યું, મેં ૮૯ બેઠકોના ત્રણ મુખ્‍ય પક્ષોના ઉમેદવારોનું ઓડીટ કર્યુ હતું. સોમવાર સુધીમાં ૩૮ બેઠકોના ઉમેદવારોએ ખર્ચની વિગતો અપલોડ નહોતી કરી. આજે મંગળવારે ૧૬ બેઠકોના ઉમેદવારોની ખર્ચની વિગતો અપલોડ થઇ છે અને બાકીની ૨૨ બેઠકોના ખર્ચની વિગતો હજુ પણ બાકી છે.

(10:06 am IST)