Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પેસેન્જરે પ્લેનમાં ઝગડો કર્યા બાદ ફ્લાઈટ એટેન્ડન્ટ્સ અને પોલીસને પણ માર માર્યો

ફલાઈટમાં ઝઘડા, બોલાચાલી અને હંગામો થવાની ઘટનાઃફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારથી જ પેસેન્જરે હંગામો મચાવવાનું શરૃ કરી દીધું હતું જોકે શરૃઆતમાં મામલો સાધારણ માનવામાં આવ્યો હતો

નવીદિલ્હી, તા.૨૩

ફલાઈટમાં ઝઘડા, બોલાચાલી અને હંગામો થવાની ઘટનાઓ વધવા લાગી છે. પ્લેનમાં અનેક બાબતો પર બબાલ થવાના ઘણા વીડિયો સામે આવતા રહે છે. બબાલને રોકવા માટે ફ્લાઈટ એટેન્ડન્ટ્સ અને એરપોર્ટ પોલીસને પરસેવો છૂટી જાય છે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ માત્ર મુસાફરો પર હુમલો કર્યો જ નહીં પરંતુ પોલીસકર્મી અને ફ્લાઈટ એટેન્ડન્ટને પણ માર માર્યો. આ પછી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારથી જ પેસેન્જરે હંગામો મચાવવાનું શરૃ કરી દીધું હતું. જોકે શરૃઆતમાં મામલો સાધારણ માનવામાં આવ્યો હતો, તેને બેસાડવામાં આવ્યો અને ફ્લાઈટ ઉપડી ગઈ, પરંતુ આ પછી તે અન્ય મુસાફરો સાથે દલીલમાં ઉતરી ગયો. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિએ ફૂટબોલ ટીમની જર્સી પહેરી હતી. આ વ્યક્તિનું વર્તન જોઈને એક મુસાફરે તેની ફેવરિટ ટીમ પર કોમેન્ટ કરી, જેના પછી તે ગુસ્સે થઈ ગયો અને લડવા લાગ્યો.

આ ફ્લાઈટ એડિનબર્ગથી અંતાલ્યા જઈ રહી હતી. ફ્લાઈટ એન્ટાલિયામાં લેન્ડ થતાંની સાથે જ પોલીસ આવી ગઈ અને તેને લઈ જવા લાગી પરંતુ તેણે પોલીસકર્મીઓ અને ફ્લાઈટ સ્ટાફ પર હુમલો કરવાનું શરૃ કરી દીધું. આ વ્યક્તિનું વર્તન જોઈને ફ્લાઈટમાં હાજર એક છોકરી ગભરાઈ ગઈ. વીડિયોમાં જોવા મળે છે કે બાળકી ડરી રહી છે અને પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે તેની માતા તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, થોડા સમયના હંગામા પછી, પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી અને તેને ફ્લાઇટમાંથી બહાર ખેંચી લીધો.

પ્લેનમાં બબાલ મચાવનાર આ વ્યક્તિ નશામાં હતો અને તેની પાસે વોડકાની ખાલી બોટલ પણ મળી આવી હતી. મુસાફરોના કહેવા પ્રમાણે, તે આખી મુસાફરી દરમિયાન બધાને પરેશાન કરતો રહ્યો. આના કારણે અમારી યાત્રા ખૂબ જ પીડાદાયક બની હતી. કહેવાય છે કે ફલાઈટમાં મુસાફરી કરવી એ એક સ્ટાન્ડર્ડ માનવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા બિઝનેસ કલાસ લોકોની વર્તણૂંકમાં બહુ બદલાવ આવતા મારપીટની ઘટનાઓ વધી હોવાનું જોવા મળ્યું છે.

(9:34 pm IST)