Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

યુકે અને કેનેડાની બજારમાં પણ કેસર કેરીનું વેચાણ થશે

૧ર નંગ કેરીના ૩ કિલો વજનના બોકસ અમદાવાદથી એરકાફટમાં મોકલાશે

 તાલાલાની કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 12 નંગ ભરતીવાળા 3 કિલો વજનના આકર્ષક બોક્સ પેકીંગમાં તૈયાર થયેલા 400 બોક્સ કેનેડા તથા 800 બોક્સ UK માટે તાલાલા ગીરથી અમદાવાદ જવા રવાના થયા છે. અમદાવાદથી બુધવારે એર કાર્ગો મારફ્ત દેશના સિમાડા ઓળંગી કેનેડા અને UK પહોંચશે.

 

એપીડા માન્ય પેક હાઉસના સંચાલક દિપકભાઈ ચાંદેગરાએ આપેલી વિગત મુજબ, તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય પેક હાઉસમાં ખુશ્બુદાર કેસર કેરીનું ગ્રેડીંગ, વોશીંગ, હોટ વોટર ટ્રીટમેન્ટ, રાયપનીંગ, સોર્ટીંગ, પેકિંગ, પ્રિ-કુલિંગ, સ્ટફિંગ કરી વિદેશમાં મોકલવા માટે આકર્ષક બોક્સમાં તૈયાર કરવામાં આવી છે. કેસર કેરીની સિઝનના પ્રારંભે તાલાલા પંથકમાં આગોતરા કેરીના પાકમાંથી તૈયાર થયેલ ખુશ્બુદાર કેસર કેરીના 1200 બોક્સનો પ્રથમ જથ્થો રવાના થયો છે જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન-કેનેડા જવા રવાના થશે.

 

તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરી લંડનની બજારમાં એક બોક્સ 17 પાઉન્ડ એટલે કે ભારતની કરન્સી પ્રમાણે 1700 રૂપિયામાં વેંચાણ થશે. જ્યારે કેનેડામાં 37 કેનેડીયન ડોલરમાં વેચાણ થશે. જે ભારતની કરન્સી પ્રમાણે 2300 રૂપિયા થાય છે. આગામી દિવસોમાં કેસર કેરીનો વધુ જથ્થો વિદેશમાં જવા રવાના થશે.

(6:19 pm IST)