Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મિશ્ર વાતાવરણમાં ફણગાવેલા કઠોળ, દહીં, લસણ, પપૈયુ આહારમાં લેવાથી શરદી, ખાસી, તાવ જેવી બિમારીમાંથી છુટકારો મેળવી શકાય

રોગ પ્રતિકારક શક્‍તિ માટે વિટામીન સી યુક્‍ત ખાટા ફળોનું સેવન કરવુ જરૂરી

નવી દિલ્‍હીઃ હાલ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળે છે. ક્યારેક વધારે ગરમી હોય તો ક્યારેક અચાનક જ વરસાદ પડવા લાગે છે. આવી સ્થિતિમાં લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેવામાં જરૂરી છે કે તમે હાલના બદલતા વાતાવરણને ધ્યાનમાં રાખીને ખોરાક લેવાનું રાખો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે બદલતા વાતાવરણમાં વાયરલ બીમારીઓથી બચીને રહેવું હોય તો દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી બદલતા વાતાવરણમાં પણ તમે બીમારીઓથી બચી શકો છો. 

ફણગાવેલા કઠોળ

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર વાતાવરણ બદલતું હોય ત્યારે દૈનિક આહારમાં ફણગાવેલા કઠોળનો સમાવેશ કરવો જોઈએ. કઠોળને ફણગાવવાથી તેમાં વિટામિન અને મિનરલ્સ વધી જાય છે. તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરને પણ બેક્ટેરિયા અને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. 

વિટામીન સી યુક્ત આહાર

બીમારીઓથી બચાવ કરવો હોય તો જરૂરી છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હોય. અને શરીરને રોગપ્રતકારક શક્તિ વિટામીન સી યુક્ત આહાર લેવાથી વધે છે. તેથી જ્યારે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર થતા હોય ત્યારે સંતરા, લીંબુ, ટમેટા, આમળા જેવા ખાટા ફળનું સેવન વધારે કરવું જોઈએ. 

દહીં

દહીંનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ શરીરને રોગ સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. દૈનિક આહારમાં દહીંનું સેવન કરવાથી શારીરિક ક્ષમતામાં પણ સુધારો થાય છે.

લસણ

લસણમાં એલિસિન નામનું પ્રાકૃતિક રસાયણ હોય છે. જે એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ થી ભરપૂર હોય છે. લસણનું સેવન કરવાથી શરીરને વાઇરસ સામે લડવાની ક્ષમતા મળે છે. સાથે જ તે શરદી અને ફ્લુ થવાનું જોખમ પણ ઘટાડે છે.

પપૈયુ

પપૈયામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તેમાં પ્રપેન નામનું એન્જાઈમ હોય છે જે પાચન સુધારે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.

(6:32 pm IST)