Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બજેટમાં ટેકસ સ્લેબમાં ફેરફાર, સ્ટાન્ડર્ડ ડિડકશનની શકયતા

૪૮ ટકા લોકોના મતે નાણા મંત્રી કોર્પોરેટ ટેકસ ઘટાડીને ૨૫ ટકા કરશે પરંતુ સરચાર્જ ચાલુ રાખશે

નવી દિલ્હી તા. ૨૩ : સામાન્ય માનવી પરનો કરનો બોજ ઘટાડવા માટે સરકાર ૨૦૧૮-૧૯ના કેન્દ્રીય બજેટમાં ઈન્કમ ટેકસના સ્લેબ્સ તથા દરોમાં ફેરફાર કરે તેવી શકયતા છે. જયારે ડિવિડન્ડ્સ પરના વર્તમાન કરમાં કોઈ બદલાવ નહીં કરાય તેમ એક સર્વેમાં જણાવાયું છે.

ટેકસ કન્સલ્ટન્ટ કંપની ઈવાય દ્વારા બજેટ પૂર્વે કરાયેલા એક સર્વેમાં આશરે ૬૯ ટકા લોકોએ એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે લોકોના હાથમાં ખર્ચપાત્ર આવક વધે તે માટે સરકાર ટેકસેશનની ટોચમર્યાદા વધારશે. આશરે ૫૯ ટકા લોકોના મંતવ્ય અનુસાર કેટલાંક જરીપૂરાણાં ટેકસ ડિડકશનને બદલે સ્ટાન્ડર્ડ ડિડકશન અમલી બનાવી સરકાર કર્મચારીઓ પરનો કરનો બોજ પણ ઘટાડે તેવી શકયતા છે.

આ સર્વેમાં ૧૫૦ સીએફઓ, ટેકસ હેડ્સ, વરિષ્ઠ ફાયનાન્સ પ્રોફે'લ્સ વગેરેને આવરી લેવાયા હતાં. આશરે ૪૮ ટકા જેટલા લોકોના મતે નાણાં મંત્રી કોર્પોરેટ ટેકસ ઘટાડીને ૨૫ ટકા કરશે પરંતુ સરચાર્જ ચાલુ રખાશે.

જોકે મોટાભાગના (આશરે ૬૫ ટકા) લોકોના જણાવ્યાં અનુસાર હાલના તબક્કે ડિવિડન્ડ પરના વર્તમાન ટેકસમાં કોઈ ફેરફાર નહીં કરાય. જયારે ૨૪ ટકા લોકોના મતે કોર્પોરેટ સેકટર પરનો એકંદર બોજો ઘટાડવા માટે સરકાર તે ઘટાડીને ૧૦ ટકા સુધી કરે તેવી શકયતા છે. જીએસટીના અમલીકરણ બાદ હવે પ્રત્યક્ષ કરોમાં કોઈ મોટો ફેરફાર થવાની શકયા સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ નકારી કાઢી હોવાનું સર્વેના તારણોમાં જણાવાયું હતું.(૨૧.૮)

(11:30 am IST)