Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શાશ્વતી ઓળીમાં જૈનોની આયંબિલશાળાઓ માટે પરવાનગી આપવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ

મુંબઇ, તા.૨૨: જૈનો માટે ચૈત્ર અને આસો માસમાં આવતી શાશ્વતી નવપદની ઓળીનું મહત્ત્વ અદકેરું છે. આ દિવસોમાં ચુસ્ત જૈન આરાધકો નવ દિવસ આયંબિલની તપશ્યર્યા કરે છે અને બે ટંક પ્રતિક્રમણ, પરમાત્માની પૂજા વગેરે કરવા ઉપરાંત ઉપાશ્રયમાં ગુરુ ભગવંતોના શ્રીમુખે શ્રીપાળ રાજાના રાસનું શ્રવણ પણ કરે છે. આ વર્ષે લોકડાઉનને કારણે પર્યુષણની મોટા ભાગની આરાધના જૈનોને દ્યરે જ કરવાની ફરજ પડી હતી. હવે ૨૩ ઓકટોબરથી શરૂ થતી આસો માસની ઓળી દરમિયાન આયંબિલની આરાધના શ્રીસંદ્યના આશ્રયે કરી શકાય તે માટે દાદરના આત્મકમલલબ્ધિસૂરિ જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર મુંબઈના જૈન સંદ્યો વતી બોમ્બે હાઈ કોર્ટમાં વિશેષ અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જૈન સંદ્યો વતી એડવોકેટ પ્રફુલ શાહે દલીલ કરી હતી કે 'જો મુંબઈ શહેરમાં હોટેલો, રેસ્ટોરાંઓ અને બારો પણ ખોલવાની સરકાર પરવાનગી આપતી હોય તો જૈન આયંબિલ શાળાઓ શા માટે ખોલી ન શકાય?' મહારાષ્ટ્ર સરકાર વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીએ દલીલ કરી હતી કે 'જૈનો શા માટે ભોજન ઘરે લઈ જઈને ખાઈ ન શકે? શા માટે તેઓ ભોજનશાળામાં ભીડ કરવા માગે છે?' તેના જવાબમાં પ્રફુલ શાહે કહ્યું હતું કે 'જો ૨૦૦ ચોરસ ફીટની રેસ્ટોરાંને ડાઇનિંગની પરવાનગી આપવામાં આવે છે તો ૧,૦૦૦ ચોરસ ફીટ અથવા વધુ એરિયા ધરાવતી આયંબિલ શાળાને શા માટે પરવાનગી ન આપવામાં આવે? વિલે પાર્લેમાં એક આયંબિલ શાળા તો ૯,૦૦૦ ચોરસ ફીટનો એરિયા ધરાવે છે.'

બોમ્બે હાઈ કોર્ટના વિદ્વાન જજ સાહેબો શાહરૂખ કાથાવાલા અને રિયાઝ ચાગલાની બેન્ચે વચગાળાનો આદેશ આપતાં કેટલીક શરતોને આધિન મુંબઈની ૪૮ આયંબિલ શાળાઓમાં આયંબિલની આરાધના કરવાની પરવાનગી આપી હતી. હાઈ કોર્ટના આદેશ મુજબ જે આયંબિલ શાળામાં ૧,૦૦૦ ચોરસ ફીટ અથવા વધુ જગ્યા હોય તેમને સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન કુલ ૨૦૦ આરાધકોને આયંબિલ કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. આયંબિલ શાળાના સંચાલકો તરફથી દર એક કલાકદીઠ વધુમાં વધુ ૪૦ પાસ આપવામાં આવશે. આયંબિલ કરનાર સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખશે. પીરસનારે માસ્ક પહેરવા પડશે. આયંબિલ શાળાને સેનેટાઈઝ કરવામાં આવશે. સંચાલકોને બોટલના પાણીને બદલે ઉકાળેલું પાણી પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. બપોરે ૩ વાગ્યા પછી ડાઇનિંગ હોલ સાફ કરીને ૪ વાગ્યા સુધીમાં બંધ કરી દેવામાં આવશે.

(3:16 pm IST)