Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આર્થિક આધાર પર અનામત રહે તે જરૂરી છે : શરદ પવાર

શરદ પવારે સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો : જાતિના આધાર પર અનામત યોગ્ય નથી : પવારનો મત

નવી દિલ્હી, તા. ૨૨ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને આપવામાં આવેલા એક પબ્લિક ઇન્ટરવ્યુમાં અનામતના મુદ્દા ઉપર મોટી વાત કરી હતી. પવારે કહ્યું હતું કે, અનામત આર્થિક આધાર પર આપવામાં આવે તે જરૂરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો પણ નોકરીમાં તથા શિક્ષણમાં અનામતને લઇને લાંબા સમયથી માંગ કરી રહ્યા છે જે પવારની વોટબેંક પણ છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આને લઇને મુકમોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં શરદ પવારે રાજ ઠાકરેને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, અનામતનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે. દલિત અને આદિવાસીઓને અનામત મળે તે ખુબ જરૂરી છે. આમા કોઇ બે મત નથી પરંતુ અલગ અલગ જાતિઓના લોકોને અનેક જગ્યા પર અનામત માટે રેલીઓ કાઢવી ન પડે તેવા પ્રયાસ થવા જોઇએ. જાતિના આધાર પર અનામતની વ્યવસ્થા કરવાની બાબત યોગ્ય નથી. આર્થિક રીતે પછાત લોકોને અનામત મળે તે દિશામાં પહેલ થવી જોઇએ. જાતિના આધાર પર અનામત ખતરનાક છે.

(11:07 pm IST)