Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧૧,૪૦૦ કરોડના કૌેભાંડી નિરવ મોદીની ૬ કરોડની રોલ્સ રોયસ સહિત ૯ કાર જપ્ત

નવી દિલ્હી, તા.૨૨ : પંજાબ નેશનલ બેન્કને ૧૧૩૦૦ કરોડનો ચૂનો લગાવીને વિદેશ ભાગ જનાર નીરવ મોદી પર તપાસ એજન્સિઓએ એકશન લેવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે ઇડીએ નીરવ મોદીની કંપનીઓ સહિત તેની ૯ આલિશાન ગાડીઓ જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી ગાડઓમાં ૬ કરોડની રોલ્સ રોયસ પણ સામેલ છે. મંગળવારે સીબીઆઇએ મુંબઇના અલીબાગમાં નીરવ મોદીના ૨૭ એકરના વિશાળ ફાર્મ હાઉસ પર પણ કબજો જમાવ્યો હતો.

ઇડીએ એક રોલ્સ રોયસ ઘોસ્ટ, બે મર્સિડીઝ બેન્ઝ જીએલ ૩૫૦ સીડીઆઇએસ, એક પોર્શે પનામેરા, ૩ હોંડા કાર, એક ટોયોટા ફોર્ચ્યૂન અને એક ટોયોટા ઇનોવાને જપ્ત કરી છે. રોલ્સ રોયસ કારની કિંમત ૬ કરોડ બતાવવામાં આવી રહી છે. ઉપરાંત ઇડીએ નીરવ મોદીના ૭.૮૦ કરોડ રૂપિયાવાળા શેર અને મ્યૂચ્યુઅલ ફંડને પણ ફ્રીજ કરી દીધા છે. જયારે મેહુલ ચોકસી ગ્રુપ સાથે જોડાયેલા ૮૬.૭૨ કરોડ રૂપિયાના શેર અને મ્યૂચ્યુઅલ ફંડને ફ્રીજ કરવામાં આવ્યા છે.

જણાવી દઇએં કે દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડમાં સીબીઆઈએ તપાસ ઝડપી કરી છે. સીબીઆઇએ મંગળવારે રાત્રે પંજાબ નેશનલ બેન્કના વધુ એક મેનેજરની ધરપકડ કરી લીધી છે. રાજેશ જિંદાલ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી પીએનબીની મુંબઇ સ્થિત બ્રૈડી હાઉસ બ્રાન્ચના પ્રમુખ રહ્યા. ઉપરાંત સીબીઆઇએ મેહુલ ચોકસીની કંપની સાથે જોડાયેલા ૫ શખ્સની પણ ધરપકડ કરી છે.

૧૧૩૦૦ કરોડના કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ નીરવ મોદીની ફાઇવ સ્ટાર ડાયમંડ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફસર વિપુલ અંબાણીની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત ફાયરસ્ટારની ઓથરાઇજડ સિગ્નેટરી કવિતા મનિકર, નક્ષત્ર અને ગીતાંજલિ ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર કપિલ ખંડેલવારની પણ ધરપકડ કરી લીધી છે. મંગળવારે થયેલી ધરપકડમાં ફાયરસ્ટારના એક સિનિયર એકિઝકયુટિવ અર્જુન પાટિલ અને ગીતાંજલિ ગ્રુપના નિતેન શાહી પણ સામેલ હતા. સીબીઆઇની મુંબઇ સ્થિત બ્રાન્ચમાં ૫ એકિઝકયુટિવ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને કલાકોની પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

નીરવ મોદીએ પોતાના સહયોગીઓને પત્ર લખતા કહ્યું હતું કે, શ્નફેકટરી અને શોરૂમમાં રાખેલો સામાન જપ્ત થઇ ગયો હોવાથી અને બેન્ક ખાતાં ફ્રીજ થઇ ગયા હોવાથી અમે તમારી બાકી રહેતી રકમ નથી ચૂકવી શકતા. તમે બીજે કયાંક નોકરી શોધી લો તો તમારા માટે સારું રહેશે. સંસ્થાને બનાવવામાં તમારૃં મહત્વનું યોગદાન રહ્યું અને ઉમ્મીદ છે કે સારા દિવસોમાં ફરીથી જોડાશું.લૃ ઉપરાંત નીરવ મોદીએ તેમના કર્મચારીઓની બાકી રહેતો પગાર ચૂકવવાનો વાદો કર્યો છે. લખ્યું કે શ્નમારા બેન્ક અકાઉન્ટ અને સ્ટાઙ્ખકસ એકસેસ થશે કે તરત તમારો પગાર ચૂકવી આપીશું.

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જાઇ જયારે નીરવ મોદીના વકીલે બેન્કો પર આરોપ ઢોળી દીધા. નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે આ બેન્કનું કોમર્શિયલ ટ્રાન્ઝેકશન હતું જેને હવે ફ્રોડનું નામ આપવામાં આવી રહ્યું છે. મીડિયામાં બતાવવામાં આવતી કૌભાંડની રકમને લઇને પણ વિજયે સવાલ ઉઠાવ્યા છે. વિજયે કહ્યું કે ખુદ સીબીઆઇએ ૨૮૦૦ કરોડનું કૌભાંડ હોવાનું નોંધ્યું છે, જે ૫૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. મીડિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે મીડિયા ૧૧૫૦૦ કરોડનો આંકડો કયાંથી લાવ્યું તે સમજમાં નથી આવતું.

(3:54 pm IST)