Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વેપારીઓના લાખો રૂપિયાના GST રીફંડ બાકી

સરકાર માત્ર રિફંડ માટેની કામગીરી વેગવંતી બનાવી હોવાની વાતો કરી રહી છે પરંતુ જમા થતું નથીઃ કેમિકલ, પ્લાસ્ટિક, ટેકસટાઇલ સહિતના ઉદ્યોગોમાં હવે ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું

અમદાવાદ તા. ૨૨ : સરકાર GSTથી દેશને થયેલા ફાયદાની વાતો કરી રહી છે. ત્યારે જ ગુજરાત સહિત દેશના સંખ્યાબંધ વેપારીઓ-નિકાસકારોને લેવાના નિકળતું GST રિફંડ હજુ તેમને મળ્યું નથી. એક તરફ સરકાર દ્વારા વેપાર-ઉદ્યોગને વિકસાવવાના બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. ત્યારે વેપારીઓને પોતાના જ પૈસા માટે વલખાં મારવા પડી રહ્યા છે. રૂપિયા રોકાઇ જતાં વેપાર-રોજગાર પર તેની વિપરતી અસર પડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. .

 

દેશમાંથી કરચોરી નાબુદ કરવા માટે GSTનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે આ અમલ પહેલા કેન્દ્ર સરકારે વેપારીઓને તેમના રિફંડ નિશ્ચિત સમયમાં તેમના ખાતામાં જમા કરાવી દેવાની ખાતરી આપી હતી. સાથે સાથે જયાં સુધી GSTની સીસ્ટમ રૂટીન ન થઇ જાય ત્યાં સુધી વેપારીઓને પરેશાન નહિ કરવાના સરકાર દ્વાર વચનો આપવામાં આવ્યા હતા. હકીકતમાં હજુ સુધી વેપારીઓના ફરીયાદોના નિકાલ આવતા નથી. સાથે સાથે સંખ્યબંધ નિકાસકારોને સરકાર પાસેથી લાખો રૂપિયાનું રીફંડ મેળવવાનું બાકી છે. GSTના અમલને છ મહિના પુરા થઇ ગયા છતાં હજુ સુધી વેપારીઓને રિફંડ ન મળતાં તેમની સ્થિતી દયનિય બની રહી છે. વેપારીઓ- નિકાસકારોની વર્કીગ કેપિટલ સરકારની તીજોરીમાં બ્લોક થઇ જતાં હવે પોતાના ઉદ્યોગ- ધંધાના વિકાસ માટે પણ વેપારીઓને આર્થિક સંકડામણ અનુભવવી પડે છે. જો રીફંડના મુદ્દે સરકાર યોગ્ય કામગીરી નહિ કરે તો આગામી દિવસોમાં ચોક્કસ વેપારીઓની નારાજગી વહોરવી પડશે..

સરકારના પેટ્રોકેમિકલ્સ અને રસાયણ વિભાગની મદદથી મુંબઇ ખાતે કેપઇન્ડીયાનું આયોજન થઇ રહ્યું છે. કેપઇન્ડીયાનો હેતુ કેમિકલ, પ્લાસ્ટીક, કન્સ્ટ્રકશન, અને ખાણ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને તેના ઉદ્યોગકારો એકબીજાના સંપર્કમાં આવી શકે. હાલ તો ગુજરાતના કેમિકલ અને પ્લાસ્ટીકના વેપારીઓ કેપ ઇન્ડિયાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે વેપારીઓની એક કોમન ફરીયાદ એ છે કે સરકાર માત્ર પ્રોત્સાહનની વાતો કરે છે. ખરેખર વેપારીઓની જે સમસ્યા છે. તેનો નિકાલ આવતો નથી. ગુજરાતના જ સંખ્યાબંધ વેપારીઓના લાખો રૂપિયાના રીફંડ અટવાયા છે. આ મુદ્દે સરકારે સમક્ષ વારંવાર રજૂઆત

કરવા છતાં તેનો નિકાલ આવતો નથી. GSTને અમલ થાય તે પહેલા તેના વિરોધમાં દેશભરના વેપારીઓએ આંદોલનો કર્યા હતા. આખરે વેપારીઓ GST ભરવા તૈયાર થઇ ગયા છે. ત્યારે તેમની સૌથી મોટી સમસ્યા એ છે કે GST પોર્ટલ ગમે ત્યારે ઠપ થઇ જાય છે. આ મુદ્દે વ્યાપક રજૂઆતો થઇ છે પરંતુ સરકાર દ્વારા હજુ તેમાં કોઇ સુધારા લવાયા નથી.આટલું ઓછું હોય તેમ મોટા ભાગના વેપારીઓના રિફંડના લાખો રૂપિયા તેમના ખાતામાં જમા ન થતાં વેપારીઓની નારાજગી સતત વધી રહી છે. જો આ સમસ્યાનુ નિરાકણ નહિ આવો તો આગમી દિવસોમાં વેપારીઓ આંદોલન કરે તેવી સંભાવના જોવા મળી રહી છે.

(11:45 am IST)