Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

T -20માં ટીમ ઇન્ડિયાનો 73 રને શાનદાર વિજય : ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કરી શ્રેણી 3-0 થી જીતી

રોહિત શર્માની ફિફટી સાથે ઓપનર ઇશાન કિશને જબરદસ્ત શરુઆત કરતા 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો : કીવી ટીમ 111 રનમાં ઓલઆઉટ : અક્ષર અને હર્ષલ પટેલ સામે ન્યૂઝીલેન્ડની ટીમ ઘૂંટણિયે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ T20 મેચોની સિરીઝની ભારતે 3-0 થી શાનદાર રીતે જીતી લીધી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમમાં અંતિમ મેત રમાઇ હતી. રોહિત શર્મા અને ઇશાન કિશને જબરદસ્ત શરુઆત કરી હતી. બંનેએ આક્રમક રમત અપનાવી હતી. રોહિતે આક્રમક અર્ધશતક જમાવ્યુ હતુ. 20 ઓવરના અંતે ભારતે 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો હતો.

ભારતે સિરીઝમાં સળંગ ત્રીજી વાર ટોસ જીત્યો હતો. જોકે અગાઉ બંને વાર ટોસ જીતીને રોહિત શર્માએ ન્યુઝીલેન્ડને પહેલા બેટીંગ માટે આમંત્રિત કરી હતી. જોકે કોલકાતામાં રન ચેઝ કરવાને બદલે ભારતે પડકારને બચાવવાની યોજના અપનાવી હતી. જવાબમાં માર્ટિન ગુપ્ટિલે આક્રમક રમત રમી હતી. તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. પરંતુ સામે છેડે તેને સાથ નહી મળતા તેની લડત નિષ્ફળ રહી હતી.

ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન પર પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ટીમને જબરદસ્ત શરુઆત અપાવી હતી. ઇશાન કિશન અને રોહિત શર્માએ 69 રનની ભાગીદારી રમત રમી હતી. રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇશાને 6 ચોગ્ગા લગાવીને 29 રનની ઇનીંગ 21 બોલમાં રમી હતી.

સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ઋષભ પંત પણ 4 રન કરીને પરત ફર્યો હતો. શ્રેયસ ઐય્યર (25) અને વેંકટેશ ઐય્યરે (20) લથડવા લાગેલી ભારતીય ઇનીંગને સંભાળી હતી. હર્ષલ પટેલ હિટ વિકેટ આઉટ થયો હતો. તેમે 11 બોલમાં 18 રન 1 છગ્ગાની મદદ થી કર્યા હતા. અક્ષર પટેલ (02) અને દિપક ચાહર (21 રન 8 બોલ) અણનમ રહ્યા હતા. ચાહરે અંતિમ ઓવરમાં 19 રન નિકાળ્ચા હતા. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગા વડે જબરદસ્ત રમત અંતિમ ઓવરમાં દર્શાવી ને 180નો આંકડો પાર કરાવ્યો હતો.

ન્યુઝીલેન્ડની ટીમના બોલરોને ઝાકળની સ્થિતી પરેશાન કરી રહી હતી. આમ છતા સારી બોલીંગ કરી હતી. કેપ્ટન મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઇશ સોઢીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા અને એક વિકેટ મેળવી હતી. એડમ મિલ્નેએ 4 ઓવરમાં 47 રન લુટાવ્યા હતા, એવી જ રીતે લોકી ફરગ્યુશને 45 રન 4 ઓવરમાં ગુમાવ્યા હતા. બંને એ એક-એક વિકેટ મેળવી હતી.

(10:46 pm IST)