Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ 27મીએ ખેડૂતોની મહત્વની બેઠકયોજાશે : વડાપ્રધાન મોદીને લખશે ખુલ્લો પત્ર

આ પહેલા 22 નવેમ્બરે લખનૌમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે

નવી દિલ્હી : નવા કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત બાદ દિલ્હીની સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી. બેઠકને હવે 27 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

ખેડૂત આંદોલનની આગામી દિશા 27 નવેમ્બરે યોજાનારી બેઠકમાં નક્કી થશે. એ પહેલા 22 નવેમ્બરે લખનૌમાં ખેડૂતોની મહાપંચાયત યોજાવાની છે.જે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે જ યોજાશે.

ખેડૂત સંગઠનોએ કહ્યુ છે કે, પીએમ મોદીને એક ખુલ્લો પત્ર લખવામાં આવશે અને તેમાં બીજા મુદ્દાઓને ઉઠાવાશે.આંદોલન પહેલાની જેમ ચાલુ રહેશે.27 નવેમ્બરે હવે આગામી બેઠક યોજવામાં આવશે.ખેડૂતો એમએસપીની સાથે સાથે લખીમપુર હિંસા બદલ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામની માંગ કરશે. પરાલી સળગાવવાના કાયદા તેમજ ડીઝલના ભાવ ઓછા કરવા અંગે પણ પીએમને પત્રમાં અપીલ કરવામાં આવશે.

આ બેઠક પહેલા પણ ખેડૂત નેતાઓનુ કહેવુ હતુ કે, તમામ માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સંસદ સુધી ખેડૂતોની 29 નવેમ્બરે યોજાનારી ટ્રેકટર માર્ચ પણ યથાવત રહેશે તેમજ 26 નવેમ્બરે આંદોલનને એક વર્ષ પુરુ થાય છે.આ દરમિયાન ખેડૂતો દેશવ્યાપી દેખાવો પણ કરશે.

(6:35 pm IST)