Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

શકિતશાળી વિજય તરફ આગળ વધી રહેલા પગલાંઓ: યોગી આદિત્યનાથે નરેન્દ્રભાઈ સાથેની વિશિષ્ટ તસવીર ટ્વિટ કરી એક સાથે અનેક સંદેશ વહેતા કર્યા

અમે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ, આપણા તન અને મનને સમર્પિત કરીને સૂર્યોદય કરવાનો: અંબરથી ઉપર ઊઠવાનો, નવું ભારત બનાવવાનો સંકલ્પ છે

યુપીના મુખ્યમંત્રી શ્રી  યોગી આદિત્યનાથે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેનો વિશિષ્ટ ફોટો ટ્વીટ કર્યો હતો.  તેમણે લખ્યું છે કે "સૂરજને ઉગવાની જીદ છે, અંબર કરતાં ઊંચે જવાની જીદ છે."  સીએમ યોગીએ ટ્વીટ કરેલી તસવીરોમાં તેઓ અને પીએમ મોદી યુપીના રાજભવનમાં ગહન વાતચીત કરી રહેલા  મળે છે.

યોગી આદિત્યનાથજીનું ટ્વીટ: 'અમે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ, આપણા તન અને મનને સમર્પિત કરીને, સૂર્યોદય કરવાનો, અંબરથી ઉપર ઊઠવાનો, નવું ભારત બનાવવાનો સંકલ્પ છે.'

નરેન્દ્રભાઈ છેલ્લા ૩ દિવસથી યુપીની રાજધાની લખનૌમાં છે.  જ્યાં તેમણે રાજ્યોના ડીજીપી અને આઈજીની કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને આજે તેઓ દિલ્હી પરત ફર્યા છે.

નોંધનીય છે કે ચૂંટણીની મોસમમાં આ તસવીરો ઘણો અર્થ ધરાવે છે.  આ તસવીરોથી એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે જ છે.  વાસ્તવમાં કેટલાક મહિનાઓથી અફવા ફેલાઈ રહી હતી કે પીએમ અને સીએમ વચ્ચે અણબનાવ છે.  આ તસવીરો દ્વારા અફવાઓને નકારી કાઢવામાં આવી છે અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પાર્ટીમાં બધું સમુસૂતરું છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સાથે તસવીરે સ્પષ્ટ કરી દીધું છે કે વિરોધીઓએ ગેરસમજમાં ન રહેવું જોઈએ.

માત્ર સીએમ યોગીએ જ નહીં પરંતુ પીએમ નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ ફોટો  યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે પણ ટ્વીટ કર્યો હતો.  તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, 'શકિતશાળી વિજય તરફ આગળ વધી રહેલા પગલાં.'

૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે.  કેન્દ્રીય ગૃહમંત્રીથી લઈને પીએમ મોદી સુધી સહુ યુપીમાં સતત રેલીઓ કરી રહ્યા છે. કારણ કે ભાજપ પણ સમજે છે કે જો વર્ષ ૨૦૨૪માં કેન્દ્રમાં ફરીથી સરળતાથી સરકાર બનાવવી હોય તો ૨૦૨૨માં યુપીમાં જીત મેળવવી જરૂરી છે.

(3:11 pm IST)