Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજકોટમાં ૭ મહિનામાં ૭ હજાર દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : બપોર સુધીમાં ૨૩ કેસ

આજ દિન સુધીમાં કુલ ૭૦૩૬ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૮૮.૮૩ ટકા થયોઃ કુલ કેસનો આંક ૭૯૪૩ એ પહોંચ્યો

રાજકોટ તા.૨૧: શહેરમાં સતત ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે  પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૨૩ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ ૭ હજારથી વધુ દર્દીઓએ કોરોના હરાવતા રિકવરી રેટ ૮૮.૮૩ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૯૪૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૭૦૩૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૮.૮૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૮૦૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૮૯  ટકા થયો  હતો. જયારે ૯૦  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૩,૦૯,૭૩૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૯૪૩  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૫  ટકા થયો છે.

નવા સાત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે સરદાર હાઇટ - ગોંડલ રોડ, શ્રી રામ સોસાયટી - આર.ટી.ઓ. પાસે, ઇન્ડિયન પાર્ક - રૈયા રોડ, ભોજલરામ સોસાયટી - સંતકબીર રોડ, રઘુવીર પાર્ક - બેડીપરા, રોયલ પાર્ક - કાલાવડ રોડ, શાંતિનિકેતન પાર્ક - કાલાવડ રોડ સહિતના નવા ૭ વિસ્તારો  માં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૪૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૬ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૦,૫૪૩ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૬  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  રેલનગર, રૈયાગામ, ગંગોત્રી પાર્ક, ગીતાનગર, આસોપાલવ સોસાયટી, તિરૂપતિ, ગોકુલ પાર્ક, ગંજીવાડા   સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૯૩૩  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:12 pm IST)