Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

૨૦૧૪ બાદ ઇડી એકશનમાં : ૪ ગણા કેસ નેતાઓ સામે

૯૫ ટકા રાજનેતાઓ વિપક્ષના : કોંગ્રેસ - તૃણમુલ - રાકપા ટો૫-૩ રડારમાં : ૧૨૧ નેતાઓને જાળમાં લીધા : આમાંથી ૧૧૫ વિપક્ષના જેમને ત્‍યાં દરોડા, ધરપકડ, પૂછપરછ થઇ

નવી દિલ્‍હી તા. ૨૧ : ૨૦૧૪માં ભાજપના નેતૃત્‍વ હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવ્‍યા બાદ ઇડીની કામગીરીમાં જબરો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ઇડીએ ૨૦૧૪થી ધડાધડ પગલાઓ લીધા છે. જેમાં રાજકારણી સામેના કેસોમાં ૪ ગણો ઉછાળો નોંધાયો છે. એટલું જ નહિ આ કેસો પૈકીના ૯૫ ટકા વિપક્ષી નેતાઓ હોવાનું જાણવા મળે છે. ઇડીએ મુખ્‍યત્‍વે કોંગ્રેસી, તૃણમૂલ અને રાકપાના નેતાઓને ભીંસમાં લીધા છે. કુલ ૧૨૧ નેતાઓ સામે કાર્યવાહી કરી છે તેમાં ૧૧૫ વિપક્ષી નેતાઓ છે.
ઇડીની કેસબુક પણ વિપક્ષી નેતાઓ અને તેમના નજીકના સગાઓની સંખ્‍યામાં મોટો વધારો દર્શાવે છે, જે ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તામાં આવ્‍યા પછી ઝપટમાં આવ્‍યા છે. વિશ્‍લેષણથી જાણવા મળે છે કે ૧૨૧ મહત્‍વના નેતાઓ ઇડીની ઝપટમાં આવ્‍યા છે. ૨૦૧૪થી અત્‍યાર સુધીમાં ઇડીએ ૧૧૫ વિપક્ષી નેતાઓને બુક કર્યા, દરોડા પાડયા, પૂછપરછ કરી અથવા ધરપકડ કરી હતી જે કુલ સંખ્‍યાના લગભગ ૯૫ ટકા છે.
આમા ભાજપા અને તેના સહયોગીઓના ૬, કોંગ્રેસના ૨૪, ટીએમસીના ૧૯, એનસીપીના ૧૧, શિવસેનાના ૮, ડીએમકેના ૬, બીજેડીના ૬, આરજેડીના ૫, બીએસપીના ૫, સપાના ૫, ટીડીપીના ૫, આપના ૩, આઇએનએલડીના ૩, વાયએસઆરસીપીના ૩, સીપીઆઇએમના ૨, એનસીના ૨, પીડીપીના ૨, અપક્ષ ૨, એઆઇએડીએમકેના ૧, એમએનએસના ૧, એસબીએસપીના ૧ અને ટીઆરએસના એક નેતા સામેલ છે.
એનડીએના કાર્યકાળ દરમિયાન ૧૯ નેતાઓની ધરપકડ અને ૩૨ સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી. જેમાં ૧ મુખ્‍યપ્રધાન, ૧૪ ભૂતપૂર્વ મુખ્‍ય પ્રધાનો, ૨૪ સાંસદો, ૨૧ ધારાસભ્‍યો, ૧૧ ભૂતપૂર્વ ધારાસભ્‍યો અને ૭ ભૂતપૂર્વ સાંસદો હતા.
તેની સામે યુપીએના કાર્યકાળ દરમિયાન કોઇની ધરપકડ નહોતી થઇ, ૯ની સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી અને ૩ સામે આરોપો હતા. જેમાં ૨ ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાનો, ૩ સાંસદો અને ૩ પ્રધાનો સામેલ હતા. કોઇપણ ધારાસભ્‍ય, ભૂતપૂર્વ ધારાસભ્‍યો કે ભૂતપૂર્વ સાંસદોના નામ નહોતા.
ઇડીના કેસોમાં આટલા વધારા માટે મુખ્‍યત્‍વે પ્રીવેન્‍શન ઓફ મની લોન્‍ડ્રીંગ એકટ (પીએમએલએ) જવાબદાર છે. આ કાયદો ૨૦૦૫માં અમલમાં આવ્‍યા પછી તેને મજબૂત બનાવાયો છે. જામીનની કડક શરતો સાથે આની જોગવાઇ હવે એજન્‍સીને ધરપડકની અને આરોપીની સંપત્તિ જપ્‍ત કરવાની સત્તા આપે છે.

 

(12:04 pm IST)