Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કુરકુરેથી ભરેલ કન્ટેનર ટ્રક હાઇ ટેન્શન લાઇન પર ટકરાઈ: ડ્રાઇવરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત

બાંદામાં ઝાંસી-મિર્ઝાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘટના : . ટ્રક પણ આગની ઝપેટમાં આવી જતા ચોતરફ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા

નવી દિલ્હી :બાંદામાં ઝાંસી-મિર્ઝાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુરકુરેથી ભરેલ કન્ટેનર ટ્રક હાઇ ટેન્શન લાઇન પર ટકરાઈ હતી. આ કરૂણ બનાવમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ટ્રક પણ આગની ઝપેટમાં આવી જતા ચોતરફ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના દૌસા પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્રા ગામની છે. ગ્રામલોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા

પોલીસે મૃતક ડ્રાઈવરની ડેડ બોડીને કબજામાં લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. ટ્રક પ્રયાગરાજથી મધ્ય પ્રદેશના ટીકમગઢ જઈ રહી હતી અને તેમાં કુરકરે અને ચિપ્સ ભરેલી હતી.

મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે બડોસાના તુર્રા ગામ પાસે કન્ટેનર ટ્રક રોકી અને થોડો સામાન લેવા નીચે ઉતર્યો હતો. જેવો તે સામાન લઈને પાછો આવ્યો અને ટ્રકને ખોલવાનો પ્રયાસ કર્યો, તે તેની સાથે ચોંટી ગયો અને કરંટ લાગવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. આ દરમિયાન ટ્રકમાં પણ ભીષણ આગ લાગી ચૂકી હતી.

આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જ્યારે ફાયર બ્રિગેડના જવાનો આગને કાબૂમાં લઈ રહ્યા હતા, ત્યારે તેઓને પણ વીજ કરંટ લાગ્યા હતા. તેણે તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર (CFO) અનૂપ કુમારને જાણ કરી હતી. સીએફઓએ તાત્કાલિક વીજળી વિભાગનો સંપર્ક કર્યો અને હાઇ ટેન્શન લાઇન બંધ કરાવી હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવાયો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતક ડ્રાઈવર પૃથ્વી લાલ (40 વર્ષ) પ્રતાપગઢ જિલ્લાના ફતનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. પોલીસે આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ નજીકના સંબંધીઓને સોંપવામાં આવશે.

બનાવની જાણ મૃતક ડ્રાઇવરના પરીવારને કરવામાં આવતા કાળો કલ્પાંત છવાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જેથી થોડી વાર માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

(6:53 pm IST)