Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

એક સમયે ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ નીરવ મોદી સાવ કંગાળ થઈ ગયો

PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નીરવ મોદી આજે પાઇ-પાઇ માટે મજબૂર: તેની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (FDIPL)ના ખાતામાં માત્ર 236 રૂપિયા જ બચ્યા

નવી દિલ્હી :PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ નીરવ મોદી પાઇ-પાઇ માટે મજબૂર બની ગયો છે. એક સમયે તે હીરા સાથે રાખીને સૂતો હતો, આજે તે પિઝા પણ ખરીદી શકે તેમ નથી. ભાગેડુ નીરવ મોદીનો ખરાબ સમયગાળો શરૂ થઈ ગયો છે. હવે તે દેવું કરીને તેનું જીવન પસાર કરી રહ્યો છે. તેની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (FDIPL)ના ખાતામાં માત્ર 236 રૂપિયા જ બચ્યા છે. એક સમયે ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ નીરવ મોદી આજે સાવ કંગાળ થઈ ગયો છે.

 તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે નીરવ મોદીનું જીવન દેવામાં વીતી રહ્યું છે. તેની પાસે કોર્ટની કાર્યવાહી માટે ચૂકવણી કરવાના પણ પૈસા નથી. નીરવ મોદીની સંપત્તિ જપ્ત કર્યા બાદ તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. વર્ષ 2019માં તે જ્યારે લંડન પોલીસના હાથે ઝડપાઈ ગયો ત્યારથી નાદાર નીરવ મોદીના ખરાબ દિવસોની શરૂઆત થઈ હતી. લંડન પોલીસે નીરવ મોદીની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા.

 

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સહિત ભારતીય બેંકો સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેની સામે મની લોન્ડરિંગ કેસ, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો કેસ, સરકારી કર્મચારીઓને પજવણી કરવા જેવા ઘણાં કેસો નોંધાયેલા છે. CBI અને EDની તપાસ બાદ PMLA કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો છે. નીરવ મોદી વિરુદ્ધ 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2017માં નીરવ મોદીએ બેંક પાસેથી 8 હપ્તામાં રૂ.14 હજાર કરોડની લોન લીધી હતી. ત્યારબાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો.

  ડાયમંડ કિંગના નામથી પ્રખ્યાત નીરવ મોદીએ અમેરિકાની વોર્ટન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2010માં પોતાની જ્વેલરી બ્રાન્ડ શરુ કરી હતી. તેણે ડિઝાઇન કરેલી જ્વેલરીની હોલિવૂડમાં ખૂબ માંગ હતી. તેની બ્રાન્ડ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે વર્ષ 2017માં તે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં 85મા નંબરે પહોંચી ગયો હતો. તે સમયે નીરવ મોદી પાસે 1.73 અબજ ડોલર એટલે કે લગભગ 11000 કરોડ રૂપિયા હતા. પરંતુ હવે તેની મુશ્કેલીઓ વધી રહી છે. તેની મિલકત પહેલેથી જ જપ્ત કરી દેવાઈ છે અને હવે તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

(9:09 pm IST)