Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મધ્‍યપ્રદેશના સાગર જિલ્લામાં અજીબોગરીબ ઘટનાઃ દુલ્‍હને દુલ્‍હા પર દહેજમાં પલ્‍સર માંગવાનો આરોપ લગાવી કેસ કરતા દુલ્‍હાએ પોલીસને જણાવ્‍યુ કે દુલ્‍હન સુહાગરાતે તેના પ્રેમી જોડે વાત કરી હતી

વરરાજા અભિષેકે ફરિયાદ કરી પોતાના વિરૂદ્ધ થયેલા દહેજના કેસમાં પોલીસને નિષ્‍પક્ષ તપાસ કરવાની માંગ કરી

ભોપાલઃ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની ખુરઈ તહસીલમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નના ચાર દિવસ બાદ જ દુલ્હન પીયર જતી રહી અને વરરાજા પર પત્ની પાસે દહેજમાં પલ્સર માંગવાનો આરોપ લગાવીને કેસ  ઠોકી દીધો. બીજી બાજુ વરરાજા પોતે પોલીસ મથક પહોંચી ગયા અને પોલીસને જણાવ્યું કે તેની દુલ્હન સુહાગરાતના દિવસે તેના પ્રેમી સાથે વાત કરી રહી હતી અને જ્યારે પૂછ્યું તો તે ભડકી ગઈ. દુલ્હન પર આરોપ લગાવતા કહ્યું કે દુલ્હને તેમની સાથે મારપીટ સુદ્ધા કરી છે. પોલીસ આ બંને કેસમાં તપાસ કરી રહી છે. 

વાત જાણે એમ છે કે ખુરઈ પોલીસ મથકમાં દુલ્હેરાજા અભિષેક અહિરવાર પહોંચ્યો અને એક ફરિયાદ આપી છે. તેણે પોલીસને તેના વિરુદ્ધ થયેલા દહેજ સતામણીના કેસમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. વરરાજાએ આરોપ લગાવતા કહ્યું કે તેમની દુલ્હન સુહાગરાતના દિવસે જ તેના પ્રેમીની સાથે મોબાઈલ પર ચેટિંગ કરી રહી હતી. રોકી તો મારપીટ પર ઉતરી આવી. પિતાને બોલાવીને ખોટી કહાની સંભળાવી અને પીયર જતી રહી. આ સાથે જ લગભગ અઢી લાખના તેના દાગીના પણ દુલ્હન રૂબી પોતાની સાથે લઈ ગઈ. 

બીજી બાજુ દુલ્હને અભિષેક વિરુદ્ધ જે ફરિયાદ લખાવી છે તેમાં વરરાજા પર દહેજ માટે સતામણી, પલ્સર બાઈક અને એક લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે અભિષેક અને રૂબીના 10 માર્ચના રોજ લગ્ન થયા હતા. જ્યારે 13 માર્ચના રોજ દુલ્હન રૂબીએ તેના પતિ અભિષેક વિરુદ્ધ દહેજ સતામણીની ફરિયાદ નોંધાવી હતી. 

અભિષેક અહિરવારે પોતાની ફરિયાદમાં ખુબ જ ગંભીર આરોપ  લગાવતા કહ્યું છે કે વરમાળા સમયે દુલ્હન કોઈ અજાણ્યા પ્રેમીના ઈશારે સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ અમારા ઘરના લોકો પોલીસ મથક પહોંચ્યા હતા પરંતુ પોલીસે મામલો પતાવ્યો અને ત્યારબાદ અમે લોકો પાછા આવ્યા અને વરમાળા થઈ પછી ઘરે આવી ગયા. દુલ્હનનું કહેવું હતું કે તેને મારી સાથે લગ્ન કરવા નહતા પરંતુ માતા પિતાએ જબરદસ્તીથી કરાવી દીધા છે. ત્યારબાદ 2 દિવસ પછી તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને જ્યારે પૂછ્યું તો તેણે અમારા પર હુમલો કરી દીધો અને મારવા લાગી. ઘરવાળાઓએ પહોંચીને મામલો શાંત કરાવ્યો. પોલીસ બંને પક્ષો તરફથી કરાયેલી ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. 

(5:27 pm IST)