Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભારતમાં રોજના કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ૭ દિવસથી ૨૦૦ની અંદર

નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો મોટો, ઝડપથી ઘટતા એકિટવ કેસ ૨ લાખની અંદર

નવી દિલ્હી, તા.૨૧: ભારતમાં કોરોના વાયરસના નવા કેસનો આંકડો બુધવારે ૧૫,૦૦૦ને પાર ગયો છે. જયારે મૃત્યુઆંક ફરી ૨૦૦ના અંદર નોંધાયો છે. આ સાથે ફરી એકવાર નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા મોટી છે. મહત્વનું છે પાછલા ૭ દિવસથી કોરોનાના કારણે દેશમાં મૃત્યુ પામતા દર્દીઓનો આંકડો ૨૦૦ના અંદર નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારે દેશમાં ૧૫,૨૨૩ કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંક ૧,૦૬,૧૦,૮૮૩ થયો છે. દેશમાં ૨૪ કલાકમાં ૧૫૧ દર્દીઓના જીવ ગયો છે જેની સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૨,૮૬૯ થયો છે. મહત્વનું છે કે પાછલા ૭ દિવસથી ૨૦૦ કરતા ઓછા મૃત્યુઆંક નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ અને સાજા થનારા દર્દીઓ વચ્ચેનું અંતર દ્યણું વધી રહ્યું છે, જે સારી નિશાની છે. દેશમાં નવા ૧૫,૨૨૩ કેસ નોંધાયા છે જેની સામે સવા ૪ હજાર (૪,૭૪૨) વધુ દર્દીઓ સાજા થયા છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૧૯,૯૬૫ દર્દીઓ સાજા થયા છે.

અત્યારે દેશમાં કુલ એકિટવ કેસનો આંકડો ૧,૯૨,૩૦૮ પર પહોંચ્યો છે. જેમાંથી સૌથી વધારે ૭૦,૪૮૧ એકિટવ કેસ કેરળમાં છે, જયારે બીજા નંબરે ૪૯,૬૧૫ કેસ સાથે મહારાષ્ટ્રનો નંબર આવે છે.

અત્યાર સુધીમાં ભારતમાં ૮,૦૬,૪૮૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. હાલ ડોકટર અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

ICMRના જણાવ્યા પ્રમાણે ૨૦ જાન્યુઆરી સુધીમાં ૧૮,૯૩,૪૭,૭૮૨ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બુધવારે ૭,૮૦,૮૩૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસના આંકડાની સામે એકિટવ કેસની ટકાવારી ૧.૮૬% થાય છે જયારે ૯૬.૭૦% દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.

(3:16 pm IST)