News of Sunday, 20th September 2020
મુંબઈ,તા.૧૯ : સુશાંત સિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ બ્યૂરોને મોટી સફળતા મળી છે. એનસીબીની ટીમે ડ્રગ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે. રાહિતને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો છે, જે બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, રાહિતે એનસીબીની પૂછપરછમાં ઘણા હાઈ પ્રોફાઈલ સેલેબ્રિટીના નામ લીધા છે. બોલિવૂડમાં રાહિલને 'સેમ ડ્રગ અંકલ' નામથી ઓળખાય છે. બોલિવૂડ પર એનસીબીનો શકંજો કસાઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ અને જેલ બાદ હવે જ્યાં એનસીબી કરણ જોહરની કથિત 'ડ્રગ' પાર્ટીના વિડીયોની તપાસ કરી રહી છે, ત્યારે અરેસ્ટ થયેલા ડ્રગ સપ્લાયર રાહિલ રાફત અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ છે. રિપોર્ટ મુજબ, રાહિલનો બોસ બોલિવૂડ સાથે જોડાયેલો કોઈ શખ્સ છે. આ કોઈ એક્ટર હોઈ શકે છે, કોઈ ડાયરેક્ટર અથવા પછી કોઈ પ્રોડ્યુસર હોઈ શકે છે.
એનસીબી હવે રાહિલને રિમાન્ડમાં લેવાની અપીલ કરશે. તપાસ એજન્સીને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાહિલ દ્વારા તે બોલિવૂડના તે તમામ મોટા નામ સુધી પહોંચી શકે છે, જ્યાંથી ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, રાહિલે અત્યાર સુધીની પૂછપરછમાં એનસીબીને જણાવ્યું કે, તે જે વ્યક્તિ માટે કામ કરે છે, તેને બધા 'બોસ' નામથી જાણે છે. આ વ્યક્તિ મોટો પેડલર છે અને અહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. રાહિલ પોતાના આ 'બોસ'ના કહેવા પર સેલેબ્રિટીને મલાના ક્રીમ સપ્લાઈ કરતો હતો. રાહિલે પોતાની પૂછપરછમાં બોલિવૂડના ઘણા મોટા એક્ટર્સના નામ લીધા છે.
એનસીબી હવે આ નામોની આસપાસ પણ તપાસ કરશે અને પુરાવાઓ એકઠા કરીને સમન્સ મોકલશે. રાહિલને ડ્રગની દુનિયામાં 'સેમ ડ્રગ અંકલ' નામથી બોલાવે છે. એનસીબીને એક જાણકારી એવી પણ મળી છે કે બોલિવૂડમાં બેઠેલો રાહિલનો 'બોસ' ફરાર છે. જ્યારે કેટલાક સૂત્રોનું કહેવું છે કે તે મુંબઈમાં જ છે. એવામાં એનસીબી જલ્દીથી જલ્દી તપાસ કરીને આ 'બોસ'ને પકડવાનો પ્રયાસ કરશે. જેથી તે મોટી માછલીઓ સુધી પહોંચી શકાય, જે ઈન્ડસ્ટ્રીમાં મોટા જથ્થામાં ડ્રગ્સ લે છે અને ડ્રગ પાર્ટી કરે છે.