Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

૩૪ વર્ષ બાદ ભાજપના દિલ્હી હેડકવાર્ટરનું સ્થળાંતરઃ ૮ હજાર ચોરસ મીટરના નવા હેડકવાર્ટરને ખુલ્લુ મુકતા નરેન્દ્રભાઇ

 નવી દિલ્હીઃ કેન્દ્રમાં સતાસ્થાને રહેલ  ભાજપે ૩૪ વર્ષ બાદ પોતાનું મુખ્ય હેડકવાટર ૧૧ અશોક રોડની બદલે ૬, દિનદયાલ ઉપાધ્યાય માર્ગ ખાતે સ્થળાતંર કર્યું છે ૮૦૦૦ હજાર વર્ગ મીટરમાં ફેલાયેલ નવા મુખ્યાલયનું નરેન્દ્રભાઇએ ઉદઘાટન કરેલ. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ, પાર્ટીના પાયાના પથ્થર અને પુર્વનાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વગેરે ભાજપના નેતાઓ, મંત્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા

 નવા મુખ્યાલય આધુનીક સુવિધાઓથી  ભરપુર છે. આ સાતમાળની આ બિલ્ડીંગને  કામના આધારે ત્રણ વિભાગોમાં બાંધવામાં આવ્યું છે. આ નવા કાર્યાલયને બનાવવામાં ૧૮ થી ૨૦ મહિના જેટલો સમય લાગ્યો છે. જયારે મુખ્ય બિલ્ડીંગની આસપાસ ૩-૩ માળના બીજા બે બીંલ્ડીંગ પણ બનાવવામાં આવ્યા છે. પાર્ટી પ્રમુખ અમીતભાઇ શાહની ઓફિસ મુખ્ય બિલ્ડીંગમાં ત્રીજા માળે બનાવવામાં આવી છે.

 હેડકવાર્ટરના ગાઉન્ડ ફલોર પર જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલ દિગ્ગજ નેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં મુલાકાત દરમ્યાન પાર્ટીના મુળ અસ્તીસ્તવનો અનુભવ કરી શકે સાથો સાથ ગ્રાઉન્ડ ફલોર ઉપર જ ભાજપના ૮ પ્રવકતાઓની ઓફિસ પણ બનાવવામાં આવી છે.

 માહિતી મુજબ આ નવા હેડકવાટર માં  પહેલા માળ ઉપર આધુનિક હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયાથી પાર્ટીના નેતાઓ નિયમીત પણે મીડીયાને સંબોધન કરશે. જયારે બીજા માળ ઉપર પાર્ટીના મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખની ચેમ્બરો બનાવાઇ છે અને બીજા માળ ઉપર પણ એક હોલ અને વકતાઓ માટે અલગ - અલગ  રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 પાર્ટીના નવા કાર્યાલયમાં ખાવા-પીવા માટે અલાયદી  કેન્ટીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે મુખ્યાલયની જગ્યામાં ખુબ જ મોટુ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે.  ઉપરાંત વાંચવા-લખવામાં શોખ ધરાવતા નેતાઓ માટે લાયબ્રેરી પણ છે મુખ્યાલયમાં બે બેઝમેન્ટમાં પાર્કીગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમીતભાઇની ઓફિસની સાથે તેમના સ્ટાફ માટે પણ  કાર્યાલય બનાવાયું છે. સાથો સાથ મીંટીગો માટે કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે.

 ઉદઘાટન પ્રસંગે નરેન્દ્રભાઇએ જણાવેલ કે  પાર્ટીના શરૂઆતથી ઘણા નેતાઓની મહેનતના કારણે ભાજપ આ મુકામે પહોંૅચી છે, તેમણે અમીતભાઇ અને તેમની ટીમને નવા  મુખ્યાલય બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતુ કે ભારતમાં રાજકીય પાર્ટી બનાવવી મુશ્કેલ કામ નથી, જે થોડો- જાજો કાયદો જાણે  છે. તે આરામથી પાર્ટી બનાવી શકે છે. અને બહુદળીય વ્યવસ્થા આપણા લોકતંત્રની ખુબસુરતી છે. જયાં  કેટલીયે રાજકીય પાર્ટીઓ છે અને તેમની વિચારધારા અને કાર્યો અલગ-અલગ છે નરેન્દ્રભાઇએ વધુમાં  જણાવ્યું હતુ કે અમારી પાર્ટી રાષ્ટ્રભકિતના રંગે રચાયેલી  છે.  જનસંઘમાં અને ભાજપે આઝાદી પહેલા અને પછી રાષ્ટ્રભકિત આંદોલનોમાં આગેવાની કરી છે. 

 દેશમાં ગઠબંધનની રાજનીતી નિરંતર ચાલતી રહે છે, ત્યારે અટલજીની આગેવાનીમાં સાથીઓને લઇને દેશમાં એક નવી સરકાર બની હતી જેણે રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવું કોમ્બીનેશન આપ્યું હતુ. તેમણે કહયું કે આ ફકત પથ્થરોથી નિર્મિત ઇમારત નથી પણ જનસંઘના જન્મથી લઇને આજસુધી જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે. તેનુ આ ફળ છે અમે બધાને સાથે  લઇને ચાલી રહયા છે. આ ઓફિસ અમારી સીમા નથી પણ ભારતના સીમાડાઓ અમારુ કાર્યક્ષેત્ર છે. ભાજપના કાર્યકર્તાઓ મુખ્યાલયને પોતાનું જ માને. દુનિયામાં ભલે આપણે સૌથી મોટી પાર્ટી હોઇ પણ આપણું કાર્યાલય બધા કાર્યકર્તાઓને તેમનું ઘર પરીવાર લાગવું જોઇએ.

(4:10 pm IST)