Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બેંક લોન કૌભાંડઃ રોટોમેકના માલિક વિક્રમ કોઠારીની ધરપકડ

બીઓબીની ૮૦૦ કરોડની લોનમાં કાર્યવાહી : કૌભાંડ ૩૦૦૦ કરોડનું હોવાનો આરોપ

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ બધાની વચ્ચે રોટોમેક પેન બનાવતી કંપની ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના માલિક વિક્રમ કોઠારી સાથે જોડાયેલી ખબર મીડિયાની સાથે સોશિયલ મિડીયામાં વહેતી થઈ છે કે તેઓ બેંક બેંકોના ૮૦૦ કરોડ રૂપિયા લઈને દેશ છોડી ચૂકયા છે. જો કે તેઓની હાલમાં સીબીઆઈએ ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

રોટોમેક કંપનીએ પાંચ બેંકો ઈલાહાબાદ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક યુનિયન બેંકે લોન આપી હતી. કહેવાય રહ્યુ છે કે આ બેંકોએ શરતો સાથે કરાર કરીને લોન પાસ કરી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈ બ્રાંચમાંથી ૪૮૫ કરોડ રૂપિયા જયારે ઈલાહાબાદ બેંકની કલકતા શાખામાંથી ૩૫૨ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ઉપરાંત તેઓએ અન્ય બેંકોમાંથી પણ લોન લીધી હતી.

એક વર્ષ બાદ પણ રોટોમેક કંપનીએ આ બેંકોએ કથિત રીતે લોનની રકમ ચૂકવી અને વ્યાજ ભર્યુ. આવી સ્થિતિમાં આરબીઆઈના આદેશ મુજબ એક ઓથોરાઈઝડ કમીટી ગઠીત કરવામાં આવી.

આ કમીટીએ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટ લી.ને વિલફુલ ડિફોલ્ટર ઘોષિત કર્યા કમીટીએ ખાસ કરીને બેંક ઓફ બરોડાની પહેલ પર આ આદેશ આપ્યો હતો. ૧૩ એપ્રિલ ૨૦૧૭ના રોજ ઈલાહાબાદ હાઈકોર્ટે રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડને તેની તે સંપતિઓ અથવા તે વ્યાજને રજૂ કરવાના આદેશ આપ્યા જે બેંક ઓફ બરોડાને ચૂકવ્યુ હતું.

કાનપુરની રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી પર બેન્કોને ૩૦૦૦ કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ છે. સતત ચર્ચા હતી કે નીરવ મોદીની જેમ વિક્રમ કોઠારી પણ દેશ છોડીને ભાગી ગયા છે. પરંતુ તેમણે આ વાતનું ખંડન કરી નાંખ્યું છે. કોઠારીએ કહ્યું કે તેઓ દેશ છોડીને ભાગી ગયા નથી, તેઓ અહીં કાનપુરમાં જ છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ કોઠારી ગઇકાલે કાનપુરમાં એક લગ્નપ્રસંગમાં દેખાયા હતા.

કોઠારીએ કહ્યું કે મેં બેન્કોમાંથી લોન લીધી છે, પરંતુ એ ખોટું છે કે હજુ સુધી ચૂકવી શકયો નથી. મારો બેન્કની એલસીમાં કેસ ચાલી રહ્યો છે, ટૂંક સમયમાં જ તેનું નિષ્કર્ષ નીકળશે. તેમણે કહ્યું કે હું હજુ કાનપુરની બહાર નીકળ્યો નથી અને કયાંય જવાનો પણ નથી. મારા ભારત દેશ જેવો મહાન કોઇ નથી. તેમણે કહ્યું કે બિઝનેસ ડીલના કારણે દેશની બહાર આવતા જતો રહું છું.

(3:20 pm IST)