Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે અથડામણમાં ૨ જવાન શહીદ, ૬ ઇજાગ્રસ્ત

પાંચ કલાકથી વધારે સમય સુધી અથડામણ ચાલી

નવી દિલ્હી તા. ૧૯ : છત્તીસગઢના સુકમામાં રવિવારે નકસલીઓ સાથે થયેલી અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા અને ૬ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. એન્ટિ નકસલ ઓપરેશનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાંચ કલાકથી વધારે સમય સુધી આ અથડામણ ચાલી હતી. જે સવારે ૧૧ વાગ્યા શરૂ થઇ હતી. બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં એસટીએફ અને એક ડીઆરડી જવાન શહીદ થયા હતા. જયારે અન્ય ૬ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. ગોળીબાર કરીને ભાગવામાં નકસલીઓ સફળ રહ્યા હતા.

છત્તીસગઢમાં કેટલાક વિસ્તારો નકસલવાદથી પ્રભાવિત છે. જયાં સેના અને નકસલવાદીઓ સાથે અવારનવાર તકરાર થાય છે. રોડ બાંધકામ કરતી કંપનીના મેનેજરની નકસલીઓ દ્વારા હત્યા થયા બાદ આ અથડામણ શરૂ થઇ ગઇ હતી. ભેજ્જી અને એલારમડગુ ગામ વચ્ચે આવેલા જંગલમાં પોલીસ અને નકસલીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા પોલીસની અન્ય ટુકડીઓ પણ રવાના કરવામાં આવી હતી. ભેજ્જી અને એલારમડગુ ગ્રામ્ય વિસ્તાર વચ્ચે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલાં તા. ૧૬ ફેબ્રુઆરીએ નકસલીઓએ પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે બે નકસલીઓને ફૂંકી માર્યા હતા. સુકમાના તોકનપલ્લી ગામના જંગલમાં ડીઆરજી અને એસટીએફના સંયુકતદળ પર હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના ફાયરિંગમાં એક નકસલી શખ્સનું મોત નીપજયું હતું.(૨૧.૯)

(10:52 am IST)