Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સાત વર્ષની બાળકીનું પ્લેનમાં હાર્ટએટેક આવતાં મોત થયું

લખનઉ-મુંબઈ ફ્લાઈટની કમનસીબ ઘટના : બાળકી યુપીના ચાફલાની હતી અને તે પોતાના પિતા સાથે ગોએરની ફ્લાઈટ જી૮૩૦૭માં મુંબઈ જઈ રહી હતી

નાગપુર, તા. ૨૦ : એક ચોંકાવનારી ઘટનામાં માત્ર સાત વર્ષની બાળકીનું ચાલુ ફ્લાઈટે હાર્ટ અટેક આવતા મોત થયું છે. બાળકી લખનઉ-મુંબઈ ફ્લાઈટમાં પોતાના પિતા સાથે પ્રવાસ કરી હતી. તેને ફ્લાઈટમાં અટેક આવતા પ્લેનનું નાગપુરમાં તાકિદે ઉતરાણ કરાવવામાં આવ્યું હતું, અને બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે, તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

આયુષી પ્રજાપતિ નામની આ બાળકી યુપીના ચાફલાની રહેવાસી હતી. તે પોતાના પિતા સાથે ગોએરની ફ્લાઈટ જી૮૩૦૭માં લખનઉથી મુંબઈ જઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકીના પિતાની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે, અને છોકરીને શું થયું તેનું વર્ણન કરવામાં પણ તેઓ સક્ષમ નહોતા.

મૃતકના મોતનું સાચું કારણ જાણવા માટે હોસ્પિટલમાં તેના વિસેરા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ હાઈ ઑલ્ટિટ્યૂડ પર હાર્ટ અટેક હોવાના કારણે બાળકીનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે. ગોએરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક બાળકીમાં લોહીની કમી હતી. જેની માહિતી તેના પિતાએ અગાઉથી નહોતી આપી. જે વ્યક્તિના બ્લડમાં હિમોગ્લોબિનનું પ્રાણ ૮થી ૧૦ ગ્રામની નીચે હોય તેમને એર ટ્રાવેલની પરવાનગી નથી અપાતી, જ્યારે આયુષીમં માત્ર ૨.૫ ગ્રામ હિમોગ્લોબિન હતું, જે નિર્ધારિત માત્રાથી ખૂબ જ ઓછું હતું. તેને ટ્રીટમેન્ટ માટે મુંબઈ લઈ જવામાં આવી રહી હતી.

પ્લેન ઉંચાઈ પર પહોંચે છે ત્યારે તેમાં સવાર લોકોને ઓક્સિજન પણ સામાન્ય માત્રાથી વધુ જોઈતો હોય છે. આ કેસમાં પ્લેને જેવું ટેક-ઓફ કર્યું કે તે સાથે જ આયુષીએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ શરુ કરી હતી, પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બાળકીને હાર્ટ અટેક આવ્યો ત્યારબાદ પણ તેના પિતાએ તેની તબિયત ખરાબ હોવાનું નહોતું જણાવ્યું. આખરે ક્રુ મેમ્બર્સે તેમની બેગ ચેક કરતાં તેમાંથી બાળકીનો બ્લડ રિપોર્ટ નીકળ્યો હતો, જેમાં તેનામાં માત્ર ૨.૫ ગ્રામ હિમોગ્લોબિન હોવાનું દર્શાવાયું હતું.

(7:37 pm IST)