Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જજ લોયાના મોત સંબંધિત કેસમાં ચીફ જસ્ટીસ પોતે સુનાવણી કરશે

સુપ્રીમના ચાર જજ દ્વારા અસંતોષ વ્યક્ત કરાયા બાદ અંતે નિર્ણય : મિશ્રાએ સુનાવણીથી પોતાને અલગ કરી લીધા બાદ લોયાના મોત સંબંધિત કેસની સુનાવણી કોણ કરશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો

નવી દિલ્હી,તા.૨૦ : જજ બીએચ લોયાના જે કેસને લઇને સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજે બળવો કર્યો હતોતેની સુનાવણી હવે પોતે ચીફ જસ્ટીસ દિપક મિશ્રા કરનાર છે. આ મામલામાં જસ્ટીસ અરૂણ મિશ્રાની બેચ સુનાવણી કરી રહી હતી.ચાર જજ દ્વારા જાહેરમાં વાંધો ઉઠાવીને આની સામે વિરોધ કર્યાથી અટકળોનો દોર ચાલી રહ્યો હતો. ચાર જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ જસ્ટીસ અરૂણ મિશ્રાએ પોતાને સુનાવણીથી અલગ કરી લીધા બાદ આ મામલે સુનાવણી કોણ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. જસટીસ અરૂણ મિશ્રાએ પોતે કહ્યુ હતુ કે આ મામલે યોગ્ય બેચ સુનાવણી કરે તે જરૂરી છે. તેમના નિવેદન બાદથી ભારે સસ્પેન્સની સ્થિતી હતી.  હવે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ પોતે જજ લોયાના મોત સાથે સંબંધિત કેસમાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલામાં ચીફ જસ્ટીસની બેંચમાં હવે અન્ય જજ જસ્ટીસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ રહેશે. સુપ્રીમ કોર્ટના કોજલિસ્ટને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે જજ લોયાની મોત સાથે સંબંધિત કેસમાં સુનાવણી હવે દિપક મિશ્રા કરનાર છે. તેમની સામે આ કેસ લાવવામાં આવનાર છે. ચીફ જસ્ટીસ ૨૨મી જાન્યુઆરીના દિવસે આ મામલામાં સુનાવણી હાથ ધરનાર છે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે મહત્વપૂર્ણ મામલામાં સીજેઆઇ વરિષ્ઠતાનુ ધ્યાન રાખતા નથી. રાષ્ટ્રીય મહત્વના સંવેદનશીલ મામલાને વરિષ્ઠ જજને સોંપવામાં આવી રહ્યા નથી. ચાર સિનિયર જજના આરોપ બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટીસે કેટલાક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે રચવામાં આવેલી બંધારણીય બેંચમાં આ ચાર જજનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચીફ જસ્ટીસે આધાર કેસ, કલમ ૩૭૭  અને સજાતીય કેસ સહિત મહત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી હતી. તેમાં જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એમબી લાકુર અને જસ્ટીસ કુરિયન જોસેફને સામેલ કરવામાં આવ્યા ન હતા. આ ચારેય જજે પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટીસની કાર્યપ્રણાલીની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજે જ્યારે મિડિયાની સામે આવીને તેમની રજૂઆત કરી ત્યારે દેશમાં સનસનાટી મચી ગઇ હતી. એ વખતે પણ જજ લોયાના મોત સંબંધિત મામલો ઉઠ્યો હતો.એ વખતે જસ્ટીસ કુરિયને કહ્યુ હતુ કે અમે આનો ઇન્કાર કરતા નથી. સુપ્રીમ કોર્ટમાં જજ લોયાના મોત સાથે સંબંધિત એક અરજી કોંગ્રેસના નેતા તહસીન પુનાવાલા દ્વારા દાખલ કરવામાં આવી ચુકી છે. બીજી અરજી મહારાષ્ટ્રના પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. જજ લોયા સીબીઆઈના ખાસ કોર્ટમાં સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ધ્યાન આપી રહ્યા હતા. આ હાઇપ્રોફાઇલ કેસમાં વર્તમાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાતના કેટલાક મોટા અધિકારીઓના એક વખતે નામ હતા. આ મામલામાં અમિત શાહ નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે. ડિસેમ્બર ૨૦૧૪માં નાગપુરમાં જજ લોયાનુ મોત થયુ હતુ. એવા હેવાલ આવ્યા હતા કે હાર્ટ અટેકના કારણે લોયાનુ નિધન થયુ હતુ. જો કે તેમના અવસાનને લઇને કેટલાક પ્રશ્નો સપાટી પર આવ્યા હતા. કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓએ તેમાં તપાસની માંગ કરી હતી. જજ લોયાના મોતના મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. જો કે સ્વર્ગસ્થ જજ લોયાના પુત્ર અનુજ લોયાએ હાલમાં જ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ હતુ કે તેમને કોઇ પર શંકા નથી. પુત્રે કહ્યુ હતુ કે તેમના પિતાનુ અવસાન શંકાસ્પદ સ્થિતીમાં થયુ ન હતુ. અનુજે એમ પણ કહ્યુ હતુ કે બિનજરૂરી વિવાદ જગાવવાની જરૂર નથી. તેમણે તેમના પિતાના અવસાનના મામલે કોઇ પણ પ્રકારની તપાસની જરૂર હોવાનો ઇન્કાર કર્યો હતો. જો કે હાલમાં ચાર સિનિયર જજ દ્વારા આ મામલો ફરી એકવાર ઉઠાવવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે.

(7:32 pm IST)