Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના વાયરસ બાદ

હવે 'ચાપરે વાયરસ'નો ખતરોઃ ઇબોલા જેવા લક્ષણઃ ઉંદરને કારણે તે ફેલાય છે

નવી દિલ્હી, તા.૧૯: કોરોના વાયરસે દુનિયાને સતર્ક કરી દીધી. જયારે પણ કોઈ વાયરસ સામે આવે તો તરત જ ચર્ચા શરૂ થઈ જાય છે. હવે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ને એક શોધમાં માલૂમ પડ્યું છે કે, ચેપરે વાયરસ એક વ્યકિતથી બીજા વ્યકિતમાં પણ ફેલાય છે. આ વાયરસ પહેલીવાર ૨૦૦૩માં બોલિવિયાના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો હતો. જે ઈબોલા વાયરસની જેમ બીમારી પેદા કરે છે. આ વાયરસનું નામ તેના ઉત્પત્તિ સ્થાનના કારણે પડ્યું છે.

ફરી ૨૦૧૯માં ચેપરે વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા જયારે બોલિવિયાની રાજધાની લા પાઝમાં બે દર્દીઓ દ્વારા ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ સંક્રમિત થયા હતા. બાદમાં બે સ્વાસ્થ્યકર્મીઓ અને એક દર્દીનું મોત થયું હતું. અગાઉ એક દશકા પહેલા આ બીમારીનો કન્ફર્મ કેસ ચેપરેમાં મળ્યો હતો અને એક નાના વિસ્તારના કેટલાક લોકો સંક્રમિત થયા હતા. દુનિયાભરની સરકારો, વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય નિષ્ણાતો કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાનું CDC એ શોધવા માટે મથી રહ્યું છે કે, શું ચેપરે વાયરસ માનવજાતિ માટે જોખમી સાબિત થઈ શકે છે.

શું છે ચેપરે વાયરસ?

બોલિવિયામાં ચેપરે પ્રાંત છે જયાં આ વાયરસની ઉત્પત્ત્િ। થઈ હતી. આ જ કારણે તેનું નામ ચેપરે વાયરસ પડ્યું છે. ચેપરે વાયરસ એરીનાવાયરસ ફેમિલીના કારણે પેદા થતી બીમારી છે. આ જ પ્રકારની બીમારી ઈબોલા વાયરસના કારણે થાય છે. સીડીસીની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે, ચેપરે વાયરસની જેમ એરીનાવાયરસ પણ ઉંદર દ્વારા ફેલાય છે. ઉંદરોના સીધા સંપર્કમાં આવવાથી અથવા તેના મૂત્રના સંપર્કમાં આવવાથી માણસોમાં ફેલાય છે. બાદમાં સંક્રમિત વ્યકિત પોતાના સંપર્કમાં આવનારા અન્ય લોકોને પણ ચેપ લગાડે છે. ચેપરેથી સંક્રમિત વ્યકિતને તાવ આવે છે અને લોહી નીકળે છે. આ સમસ્યા ઈબોલા વાયરસથી સંક્રમિત વ્યકિતને પણ થાય છે. ચેપરે વાયરસથી સંક્રમિત વ્યકિતને પેટમાં દુખાવો, ઊલટી, પેઢામાંથી લોહી નીકળવું, આંખોની પાછળ દુખાવા જેવી સમસ્યા થાય છે. યાદ રાખો કે, લોહી નીકળવાની સાથે તાવ આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસની સરખામણીએ ચેપરે વાયરસ વિશે શોધવું મુશ્કેલ છે કારણકે આ શ્વસનતંત્ર દ્વારા એકબીજામાં નથી ફેલાતો. જયાં સુધી તમે સંક્રમિત વ્યકિતના શરીરમાંથી નીકળતા તરલ પદાર્થોના સંપર્કમાં નહીં આવો ત્યાં સુધી ચેપરે વાયરસ તમારા શરીરમાં નહીં પ્રવેશે. એવામાં સંક્રમણનું સૌથી વધારે જોખમ સ્વાસ્થ્યકર્મીઓ, પરિવારના સભ્યો અને સહકર્મીઓ પર રહેલો છે કારણકે તેઓ ચેપી દર્દીઓના સીધા સંપર્કમાં હોય છે.

(3:49 pm IST)