Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રામસર સાઇટમાં યુ.પી.ના આઠમાં વેટલેંડનો સમાવેશ

સુર સરોવર હવે આંતરરાષ્ટ્રીય નકશામાં ચમકશે : ૬૦ પ્રજાતિની માછલી અને ફલેમીંગો, પેલીકન, બાર હેડેડ ગુજ, શોવલર પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર : પક્ષીવિદ્દો અને પર્યટકો માટે રોચક નજારો

આગરા : દુનિયાના આઠવા અજુબામાં સામેલ આગરાના તાજમહેલે ભારતની ખુબસરતી વધારવામાં મોટુ યોગદાન આપ્યુ છે. દુનિયાભરના લોકો તાજમહેલ નિહાળવા આવે છે. ત્યારે આ શહેરની ખુબસુરતીમાં વધારો કરવા હવે સુર સરોવરનો પણ સમાવેશ થયો છે. વેટલેંડ ગણાતા આ પક્ષી વિહારને આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અપાયુ છે.

ઉત્તર પ્રદેશ સરકારે સુર સરોવરની પસંદગી રામસર સાઇટમાં કરી છે. એ દ્રષ્ટિીએ સુર સરોવર રામસર સાઇટ ઘોષિત થનારૃં આઠમું વેટલેંડ બન્યુ છે. રામસર સાઇટ ઘોષિત થવા સાથે આ વેટલેંડ હવે વિશ્વ સ્તરે ઓળખ મેળવશે.

પર્યટકોની સંખ્યા વધશે. અહીંના કીઠમ તળાવમાં ૬૦ પ્રજાતિની માછલીઓ આકર્ષણરૂપ છે. ઉપરાંત દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં જોવા મળતા ગ્રે લેગ ગુંજ પક્ષીઓનો ચહચહાટ પણ સાંભળવા મળશે. આ કીઠમ તળાવ ૮૦૦ હેકટરમાં ફેલાયેલુ છે. અહીં દર વર્ષે અંદાજીત ૩૦,૦૦૦ જળ વિહાર કરતા પક્ષીઓ મહેમાન બને છે.

આમ આ પ્રદેશમાં સાત વેટલેંડમાં નવાબગંજ પક્ષી વિહાર, રાયલરેલી, પાર્વતી અરંગા, ગોંડા, સમાન પક્ષી વિહાર મૈનપુરી, સમસપુર પક્ષી વિહાર રાયબરેલી, સાંડી પક્ષી વિહાર હરદોઇ, સરસઇ નાવર અને ઉપરી ગંગા વ્રજ ઘાટથી નરોરા સુધીનો ભાગ હવે રામસર સાઇટના રૂપમાં અધિસુચિત કરવામાં આવ્યો છે. સુર સરોવર આઠમો વેટ લેન્ડ ગણાશે.

આ સુર સરોવરની ખાસીયતો જોઇએ તો વિદેશી પક્ષીઓ અહીં મહેમાન બનતા હોય ૧૯૯૧ માં તેને રાષ્ટ્રીય પક્ષી વિહાર જાહેર કરાયો હતો. જયાં સવાચાર કિ.મી. માં ફેલાયેલ પંચમુખી સરોવર કે જે કીઠમ ઝીલથી ઓળખાય છે ત્યાં ફલેમીંગો, પેલીકન, બાર હેડેડ ગુજ, શોવલર, સ્પૂન બિલ, કુટ, રેડ સ્ટેન્ડ પોચાઇ, ગ્રેટ સ્ટેન્ડ ગ્રેબ, બ્લેક ટેલ્ડ ગોવિટ, કોમન ગ્રીન શેક, ગ્રે લેગ ગુજ, નાર્દન પિનટેલ, કોમન સેન્ડપાઇપર, કારમોરેન્ટ, સ્પોટ બિલ્ડ ડક, કાંબો ડક, વ્હીસલીંગ ટીલ, બ્લેક નેકડ સ્ટોર્ક જેવા પક્ષીઓની અવર જવર રહે છે. ઓકટોબરથી લઇને માર્ચ સુધી અહીં મોટી સંખ્યામાં પેલીકન અને કારમોરેન્ટની જુગલબંધી જોવા મળે છે.

(12:12 pm IST)