Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

૧ મહિનાનું નિયંત્રણ લાદયું

લક્ષ્મી વિલાસ બેંક ઉપર RBIના પ્રતિબંધોઃ ૨૫,૦૦૦થી વધુનો ઉપાડ નહિ

મુંબઇ,તા. ૧૯: કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે અનેક પ્રતિબંધ મૂકયા છે.બેંકના બોર્ડને રદ કરવામાં આવ્યું છે અને પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવાઇ છે. ગ્રાહકો હવે ૧૬ ડિસેમ્બર સુધીમાં વધુમાં વધુ ૨૫ હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની સલાહને આધારે સરકારે આ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ અમુક સંજોગમાં જ જેવા કે સારવાર, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વગેરે માટે થાપણદારો રિઝર્વ બેંકની પરવાનગીથી ૨૫,૦૦૦ રૂપિયાથી વધુ ઉપાડી શકે છે. અગાઉ આરબીઆઈએ યસ બેન્ક અને પીએમસી બેંક માટે પણ આવા જ પગલાં લીધાં હતાં. જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નાણાં મંત્રાલયે કરેલા હુકમ મુજબ લક્ષ્મીવિલાસ બેંક પર એક મહિનાનું મોરેટોરિય લાગુ કરાયું છે. તેનો અમલ ૧૭ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી કરાશે. આ આદેશ આરબીઆઈ એકટની કલમ ૪૫ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.

૩૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ પીસીએ થ્રેશોલ્ડના ઉલ્લંઘન બાદ, સપ્ટેમ્બર ૨૦૧૯ માં બેંકને પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન (પીસીએ) ફ્રેમવર્કમાં મૂકવામાં આવી હતી. ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા કવાર્ટરમાં બેંકને ૩૯૬.૯૯ કરોડની ચોખ્ખું ખોટ થઇ હતી , જે બિન-પરફોર્મિંગ એસેટ્સમાં ૨૪.૪૫ ટકા હતું. ગયા વર્ષે પણ આ જ કવાર્ટરમાં બેંકને  રૂ .૩૫૭.૧૭ કરોડનું નુકસાન થયું હતું.

લક્ષ્મી વિલાસ બેંકની મુશ્કેલીઓ ૨૦૧૯ માં શરૂ થઈ, જયારે રિઝર્વ બેંકે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં મર્જ કરવાની દરખાસ્તને નકારી હતી. સપ્ટેમ્બરમાં શેરહોલ્ડરો વતી સાત ડિરેકટરની વિરુદ્ઘ મતદાન કર્યા પછી, રિઝર્વ બેંકે રોકડાના સંકટ સામે ઝઝુમી રહેલી આ ખાનગી બેંક ચલાવવા માટે મીતા માખનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી.

(9:32 am IST)