Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

PM મોદીએ બિડેન-કમલા હેરિસને ફોન કરી આપ્યા અભિનંદન

બિડેન સાથે અનેક મુદ્દે ચર્ચા કરી : વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી

નવી દિલ્હી,તા.૧૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતાં લખ્યું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકટ જો બિડેનને ફોન પર અભિનંદન આપ્યા. અમે ઇન્ડો-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અંગે અમારી પ્રતિબદ્ઘતા વિશે ફરી વાત કરી. કોરોના મહામારી, કલાઇમેટ ચેન્જ અને ઇન્ડિયા પેસિફિક ક્ષેત્રમાં સહયગો જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

જયારે વડાપ્રધાને બીજી ટ્વિટ કરતાં લખ્યું કે, તેમણે અમેરિકાના ઇલેકટ વાઇસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસને પણ જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, તેમની સફળતા ઈન્ડિયન-અમેરિકન કમ્યુનિટી માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. આ ભારત અમેરિકાના સંબંધો માટે એક અગત્યનો સ્ત્રોત છે.

બીજી બાજુ, વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, બિડેનના શાસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. તે એક તેવા સમયના સાક્ષી બન્યા છે જયારે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ધરખમ પરિવર્તન આવ્યું હતું. જયશંકરે કહ્યું કે, જયારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે અમે તેમની સાથે કામ કર્યું હતું. હું ઓબામા શાસનના છેલ્લા તબક્કા દરમિયાન રાજદૂત તરીકે હતો. અમે તેમને પહેલાથી જ ઓળખતા હતા, જયારે તેઓ સેનેટમાં વિદેશ સંબંધ સમિતિમાં સભ્ય અને પછી ચેરમેન બન્યા હતા.

(9:31 am IST)