Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સોશિયલ મીડિયાની પોસ્ટે હિંદુઓ વિરુધ્ધ ભીડને ભડકાવી

બાંગ્લાદેશમાં અલગ-અલગ ભાગમાં હિંસા ભડકી : હુલ્લડની શરૂઆત ૧૩મીએ થઈ, કોમિલ્લાના દુર્ગા પંડાલ વિશે અફવા ઉડી કે ત્યાં કુરાનને રાખવામાં આવ્યું છે

ઢાકા, તા.૧૯ : બાંગ્લાદેશના અલગ-અલગ ભાગ અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યા છે. જેમાં પહેલા દુર્ગા પૂજા પંડાલ, પછી મંદિર અને હવે હિંદુઓના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

હિંસાની શરૂઆત એક અફવાથી થઈ, જે બાદ અત્યાર સુધી લોકોના જીવ ગયા છે. સેંકડો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. રંગપુરમાં ૨૯થી વધારે હિંદુઓના ઘર સળગાવવામાં આવી ચૂક્યા છે ત્યાં ૬૬ માં તોડફોડ થઈ છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ હુલ્લડની શરૂઆત ૧૩ ઓક્ટોબરે કોમિલ્લા જિલ્લાથી થઈ.

કોમિલ્લા જિલ્લાના એક દુર્ગા પંડાલ વિશે સોશ્યલ મીડિયા પર અફવા ઉડી કે ત્યાં કુરાનને રાખવામાં આવ્યુ છે અને તેનુ અપમાન કરવામાં આવ્યુ છે. જે બાદ પહેલા દુર્ગા પંડાલોને નિશાન બનાવવામાં આવ્યુ છે. દરમિયાન રંગપુરમાંથી એક હિંદુ યુવકે કથિતરીતે ધાર્મિક ભાવનાઓને ભડકાવવાની કોઈ પોસ્ટ કરી દીધી, જે બાદ રંગપુર સુધી હિંસા ફેલાઈ ગઈ.

હિંસાની આગ મંદિર અને હિંદુઓના ઘર સુધી પહોંચી ગઈ. ફેસબુક પોસ્ટ કરનાર હિંદુ શખ્સને સોમવારે ધરપકડ કરાઈ હતી. જે બાદ રંગપુરમાં હિંદુઓના ઘર સળગાવનાર ૪૫ આરોપીઓની પણ ધરપકડ થઈ.

કોમિલ્લા બાદ ઢાકા, રંગપુર વગેરેમાં હિંદુઓ પર હુમલા થયા અત્યાર સુધી લોકોના મોત થઈ ચૂક્યા છે. સેંકડો ઈજાગ્રસ્ત છે. જાણકારી અનુસાર બાંગ્લાદેશમાં અત્યાર સુધી હિંદુઓના ૬૬ ઘરમાં તોડફોડ થઈ છે.

 રંગપુરમાં ૨૫ ઘરને સળગાવી દેવાયા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પણ હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ અને કેટલાક અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પીડિત હિંદુ પરિવારની રડી-રડીને ખરાબ હાલત છે. તેમનુ કહેવુ છે કે ઘરે દરોડા પાડવામાં આવ્યા, સળગાવવામાં આવ્યા અને લૂંટ પણ કરવામાં આવી.

એક મહિલાએ કહ્યુ કે તેમને ઘરેણા, કિંમતી સામાન, ઢોર સુધી લૂંટવામાં આવ્યા, બાકી સામાન ખાક થઈ ગયો. અમેરિકાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના લોકો પર હાલમાં થયેલા હુમલાની ઘટનાઓની નિંદા કરી છે. બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રના રેજિડેન્ટ કોઑર્ડિનેટર મિયા સેપ્પોએ પણ આનીપર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે બાંગ્લાદેશ સરકાર સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા હેટ મેસેજ પર પણ લગામ લગાવવાની અરજી કરી.

(7:03 pm IST)