Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

કોરોના સંક્રમણને કારણે અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કોલિન પોવેલનું નિધન

૮૪ વર્ષીય કોલિન પોવેલ વિદેશ પ્રધાનની સાથે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં

વોશીંગ્ટન,તા. ૧૯: અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કોલિન પોવેલનું નિધન થયું છે. તેમનુ નિધન કોરોના વાયસને કારણે થયું છે. ૮૪ વર્ષીય કોલિન પોવેલ વિદેશ પ્રધાનની સાથે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં. કોલિન પોવેલના નિધનની જાણકારી તેમના પરિવારે ફેસબુક પર આપી છે.

કોલિનના પરિવારે તેમના નિધન અંગે જાણકારી આપતાં ફેસબુક પર લખ્યું, 'તે હવે આ દૂનિયામાં રહ્યાં નથી, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતાં.' વિદેશ પ્રધાનના પદ દરમિયાન તેમણે અમેરિકાના હિતમાં એક પછી એક એમ અનેક મહત્વના નિર્ણયો લીધા હતાં.

કોલિન પોવેલનો જન્મ ૫ એપ્રિલ,૧૯૩૭ના રોજ ન્યૂયોર્કના હાર્લેમમાં જમૈકાના પ્રવાસીઓના ઘરે થયો હતો. સાઉથ બ્રોંકસમાં મોટા થયા બાદ પોવેલે ન્યૂયોર્કની સીટી કોલેજમાં અભ્યાસ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે આરઓટીસીમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય સટીક ડ્રિલ ટીમનું નેતૃત્વ પણ કર્યુ. કૈડેટ કોર તરફથી તેમને કર્નલ રેન્ક આપવામાં આવ્યો હતો.

વર્ષ ૧૯૫૮માં ગ્રેજુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે અમેરિકી આર્મી જોઈન કર્યુ હતું. ત્યાર બાદ પોવેલે ૧૯૬૦ના દાયકા દરમિયાન વિયતનામમાં પણ સેવા આપી હતી. સેવા દરમિયાન તે બે વાર ઘાયલ થયા હતાં. વર્ષ ૧૯૭૯માં તેમને બ્રિગેડિયર જનરલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં કોલિન પોવેલે પ્રથમ અશ્વેત વિદેશ પ્રધાન બની ઈતિહાસ રચ્યો હતો.

(10:16 am IST)