Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા : પંજાબ લોક કોંગ્રેસનું પણ ભાજપમાં વિલય

તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા છે, તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું પણ ભાજપમાં વિલય થઇ ગયુ છે. આ પહેલા તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થઇને નવો રાજકીય પક્ષ બનાવ્યો હતો. કેપ્ટનના પત્ની પરનીત કૌર આ સમયે પટિયાલાથી કોંગ્રેસના સાંસદ છે, તે અત્યારે કોંગ્રેસમાં જ રહેશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન કોંગ્રેસથી અલગ થઇને પંજાબ લોક કોંગ્રેસની રચના કરીને પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતુ, તે સમયે તેમના પુત્ર રણઇંદ્ર સિંહે જ ભાજપ સાથે તાલમેલ કરીને ટિકિટની વહેચણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ પંજાબમાં આપની આંધી સામે કેપ્ટનની પાર્ટી ઉડી ગઇ હતી અને ભાજપ પણ ખુણામાં ધકેલાઇ ગઇ હતી. પંજાબમાં ભાજપ જગ્યા બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

ભાજપ લાંબા સમયથી પંજાબમાં એક મજબૂત શિખ ચહેરાની શોધમાં રહી છે, જે હિન્દૂ ક્ષેત્રને પણ સ્વીકાર્ય હોય. અમરિંદર સિંહના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા વ્યક્તિગત સબંધ છે. જ્યારે તે પંજાબના મુખ્યમંત્રી હતા તો તેમણે ઓન રેકોર્ડ કહ્યુ હતુ કે પીએમ સંપર્ક કરવા પર હંમેશા સહયોગ કરે છે.

 

કેપ્ટન અમરિંદર સિંહ બે વખત કોંગ્રેસના પંજાબના મુખ્યમંત્રી રહ્યા છે પરંતુ હવે સવાલ ઉભો થઇ રહ્યો છે કે ભાજપમાં સામેલ થયા બાદ તેમની શું ભૂમિકા રહેશે. કેપ્ટન આ સમયે 80 વર્ષના છે. બીજી તરફ ભાજપ 75 વર્ષથી ઉપરના નેતાઓને ટિકિટ નથી આપતી. એવામાં કેપ્ટન માટે રસ્તો મુશ્કેલ બની શકે છે. જોકે, દીકરી જય ઇંદર કૌર તેમનું રાજકીય કામ સંભાળે છે. પંજાબની ચૂંટણીમાં તેમની ભૂમિકા હતી. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે તેમની દીકરીને પણ કોઇ મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.

 

(6:53 pm IST)